BOTAD : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર થશે, જાણો આ ભોજનાલયની વિશેષતા
આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં હાલ અહીં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિરમાં ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે. જેમાં એકસાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક રાજમહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે. દિવાળી પહેલા આ સમગ્ર કામગીરી પૂર્ણ થશે તેવું મદિરના કોઠારીએ નિવેદન આપ્યું છે.
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી ધામ, જ્યાં અહીંયા દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે .અહીંયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા રોજ કરવામાં આવે છે. હાલ ખુબજ મોટી સંખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા ૭ એકરમાં રૂ. ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે . જેમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે. અને લાઈનમાં ઉભું નહીં રહેવું પડે.
ભોજનાલયની આ હશે વિશેષતાઓ
આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં હાલ અહીં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે. આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે. અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.
મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે, એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે. ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે.
અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.”