Shravan 2021 : બિલ્વ વૃક્ષના દર્શન માત્રથી દૂર થશે સઘળા પાપ ! શું તમે રોપ્યો બિલ્વનો છોડ ?
બિલ્વ વૃક્ષ વાવવાથી મનુષ્યની સાત પેઢીઓને નર્કની યાતનામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, કહે છે કે જો સુખ, શાંતિ મેળવવા ઈચ્છો છો, તો પણ ઘર આંગણે બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. આ બિલ્વ વૃક્ષ આપને બનાવી શકે છે અઢળક સંપતિના માલિક.
પવિત્ર શ્રાવણ (Shravan) માસ ચાલી રહ્યો છે. મહામારીના આ સમયમાં લોકો માર્ગદર્શિકા અનુસાર મહાદેવની પૂજા અને અભિષેક માટે શિવાલયોમાં પહોંચી રહ્યા છે. શિવજીને પસંદ એવાં તમામ દ્રવ્યોનો અભિષેક કરી રહ્યા છે. આપ પણ કરતાં હશો. કોઈ શિવજીને શુદ્ધ જળથી અભિષેક કરે, તો કોઈ વળી અલગ-અલગ દ્રવ્યોથી ભોળાનાથને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે.
આજે તો અમારે તમને એ જણાવવું છે, કે મહાદેવને એવું તો શું અર્પણ કરવું કે જેનાથી જીવનના સમસ્ત પાપોનો નાશ થઈ જાય ! આજે આપણે કરવી છે મહાદેવને સૌથી વધુ પ્રિય મનાતા બીલીપત્રની (Bilipatra) વાત. બીલીપત્ર વિના મહાદેવની પૂજા અધૂરી મનાય છે. પણ, શું તમને એ ખબર છે કે બિલ્વ વૃક્ષના તો દર્શન અને સ્પર્શ માત્રથી પણ સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે ! શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
દર્શનં બિલ્વપત્રસ્ય સ્પર્શનમ્ પાપનાશનમ્ । અઘોર પાપ સંહારં બિલ્વ પત્રં શિવાર્પણમ્ ।।
શાસ્ત્રોમાં શિવને બિલ્વ અર્પણ કરવાનો તો મહિમા છે જ, પણ સાથે જ ઘરના આંગણામાં બિલ્વ વૃક્ષને વાવવાનો પણ મહિમા છે. કહે છે કે બિલ્વનું વૃક્ષ વાવવાથી મનુષ્યની સાત પેઢીઓને નર્કની યાતનામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર જો સુખ, શાંતિ મેળવવા ઈચ્છો છો તો પણ ઘર આંગણે બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. ઘરમાં બીલીપત્રનો છોડ રોપવાથી ક્યારેય ગૃહ કલેશ ન સર્જાતો હોવાનો પણ એક મત છે. તો ઘરના વાસ્તુ દોષને સમાપ્ત કરવા માટે પણ ઘર આંગણે બિલ્વ વાવવાનું શાસ્ત્રોમાં વિધાન છે.
કહે છે કે જો ઘરમાં બિલ્વનું વૃક્ષ વાવેલું હોય, તો મહાદેવના મહાઆશિષની પ્રાપ્તિ થાય છે. બિલ્વ વૃક્ષની નીચે બેસી કનકધારા સ્તોત્રના પઠનનો પણ મહિમા છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ અુસાર બિલ્વનો એક છોડ રોપવાથી એક કરોડ સુવર્ણ મુદ્રાના દાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
મહાદેવની પૂજા માટે તો કહેવાયું છે કે વ્યક્તિ જો અખંડ બિલ્વપત્રથી એકવાર ભગવાન શિવની પૂજા કરે છે તો તેને સમસ્ત પાપોમાંથી છૂટકારો મળી જાય છે અને પૂજા કરનાર વ્યકિતને અંતે શિવધામની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રો દ્વારા શિવનું પૂજન કરવાથી સર્વકામનાઓ સિદ્ધ થાય છે. તો વ્યક્તિની સંપૂર્ણ દરિદ્રતાનું પણ નિવારણ થાય છે. ભગવાન શિવને ધતૂરા, ભાંગ, બિલ્વપત્ર પ્રિય છે પરંતુ, આ તમામમાં બિલ્વપત્ર સૌથઈ વધુ પ્રિય છે.
શ્રાવણ માસમાં તમે બીલીપત્રથી શિવજીની પૂજા તો કરતા જ હશો. પણ, જો શક્ય હોય અને ઘર આંગણે ખુલ્લી જગ્યા હોય, તો ચોક્કસથી બિલ્વનું વૃક્ષ પણ વાવજો. માન્યતા અનુસાર તેનાથી જીવનના સઘળા સંતાપોનું શમન થઈ જશે.
આ પણ વાંચો : મમલેશ્વર શિવલિંગના દર્શન બાદ જ મળશે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું ફળ ! જાણો શું છે રહસ્ય ?
આ પણ વાંચો : શું રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં તમે કર્યું આ કામ ? જાણો રુદ્રાક્ષને વધુ ફળદાયી બનાવવાની શાસ્ત્રોક્ત રીત