AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સંસ્કૃતિનો આધાર ગણાતી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની અનોખી રૂઢિ પરંપરા મુજબની દેવપૂજાની વિધિઓ, જાણો સમગ્ર વિગત

રૂઢિ અને પરંપરાઓ એ સમાજની આગવી ઓળખ અને વિશેષતાઓ ધરાવતી જુનવાણી પરંપરાઓ છે. આ તમામ પરંપરા મુજબ દેવપૂજાની વિધિઓ થતી હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની પરંપરા મુજબની દેવપૂજાની વિધિઓ વિશે આજે વિગતવાર જાણીશું

ભારતીય સંસ્કૃતિનો આધાર ગણાતી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની અનોખી રૂઢિ પરંપરા મુજબની દેવપૂજાની વિધિઓ, જાણો સમગ્ર વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2023 | 6:30 PM
Share

આદિવાસી સમાજ આમ તો પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે.  પ્રકૃતિ સાથે જોડાઈને તાદાત્મ્ય સાંધીને જીવન જીવવાનું પસંદ કરતા હોય છે ગ્રામ્ય પરિવેશ એ પ્રકૃતિની સાથે તાલ મિલાવીને શાંતિમય જીવન જીવવાનો એક તંદુરસ્ત જીવનનો માર્ગ છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી રૂઢિ પરંપરાઓ ખાસ પ્રચલિત છે.

જેમાં આદિવાસીઓ સમગ્ર વર્ષ દરમિયાન ત્રણેય ઋતુઓને ધ્યાનમાં રાખીને પૂજા વિધયો કરતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં 15 જેટલી વિવિધ પરંપરાઓ ત્રણ ઋતુઓમાં કરવામાં આવે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાતી ચૌધરી, ગામીત, વસાવા, ડાંગી, કોકણી, કુકણા,  હળપતિ, વારલી જેવી પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં છે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે રૂઢિઓ અને પરંપરાઓ ટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચોમાસાની શરૂઆતની સાથે દેવભૂજનની શરૂઆત થઈ જતી હોય છે. જેમાં જમીનમાં નાખેલું બીજ સુરક્ષિત રહે એને ધ્યાનમાં રાખીને ધરતી માતાની પૂજા કરવામાં આવતી હોય છે.

દેવોના નામ

  1. હિવાર્યો દેવ પૂજા
  2. પાંડોરી પૂજા
  3. રાણી દિવાળી પૂજા
  4. કાલિયાભૂત પૂજા
  5. ગઢ પૂજન પૂજા
  6. ગોવાળ દેવ પૂજા
  7. સેન્કી ભૂતડી પૂજા
  8. હુરજ્યો દેવ પૂજા ( સૂરજ દેવ)
  9. પાંડોરીમાંતા પૂજન
  10. વાધદેવ પૂજન
  11. નાગદેવ પૂજન
  12. નાદરખો પૂજન
  13. કાકા બળિયા પૂજા
  14. કંસરી પૂજા
  15. બળદ દેવ પૂજા
  16. ગીંબા પૂજન
  17. માવલી પૂજન

ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી પટ્ટા પર વસતા આદિવાસીઓની પોતાની આગવી પરંપરાઓ છે. જે તમામ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પોતાના તમામ તહેવારોમાં પ્રકૃતિની જ સાથે તાલ મિલાવીને પૂજન વિધિઓ કરતા હોય છે. જેમાં અનાજ ખેતરમાં નાખવા પહેલા ધરતી માતાની પૂજા કરે છે.

જેનાથી ધરતી માતાને આગ્રહ કરવામાં આવે છે કે ફળદ્રુપ જમીનમાં અનાજનો દાણો ઉગે ત્યારથી માંડીને અનાજ પરિપક્વ થાય ત્યાં સુધી વિવિધ પૂજા કરવામાં આવે છે. સાથે કાપણી વખતે પણ ઈંડાનો ભોગ ધરાવીને કાપણીની શરૂઆત કરવામાં આવે છે. અનાજ ખોલિયમાં લઈ ગયા પછી ઘરમાં લઈ જતા પહેલા પૂજા કરવામાં આવે છે. આરોગતા પહેલા પોતાની કુળદેવીની પૂજા કરવામાં આવે છે.

પરંપરા મુજબ અન્નદેવીને કંસરી માતા તરીકે ઓળખવામાં આવે છે જેની વર્ષમાં ત્રણ વખત પૂજા કરવામાં આવે છે. શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણે પાક લીધા બાદ ભગવાનને ધરાવ્યા પછી જ આરોગવાની પરંપરા છે. તથા માણસો માંદા ન પડે એના માટે દવા કરવાનું દેવ કરવામાં આવે છે.

સમગ્ર ગામને જડીબુટ્ટીઓ ભેગી કરીને ઘરે ઘરે દવા પીવડાવવાનું કામ અષાઢ અને શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતું હોય છે. દિવાળી થી શરૂ કરીને ખેતરોમાં વસવાટ કરતા જીવજંતુઓ માટે પણ પૂજા વિધિઓ હાથ ધરવામાં આવે છે. વાઘદેવ નાગદેવ તથા નાંદરખો જેવા દેવો કરીને પ્રકૃતિને નતમસ્તક નમન કરવામાં આવે છે.

ભોગ ધરાવવાની અનોખી પરંપરા

આદિવાસી સંસ્કૃતિમાં ભોગ ધરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેમાં ઈંડાનો ભોગ ધરાવવામાં આવે છે અથવા તો મરઘી અથવા બકરી નો ભોગ ધરાવવાનો અનોખો ચીલો પડ્યો છે જે સમયાંતરે આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ આવતા હવે મહદ અંશે પશુઓની બલીનો ભોગ ધરાવાની પરંપરા માં સુધારો થઇ રહ્યો છે ..

અન્નદેવીને કંસરી તરીકે ઓળખવામાં આવે છે

અન્નદેવીને સામાન્ય રીતે લક્ષ્મી તરીકે પૂજન કરવામાં આવે છે પરંતુ આદિવાસી પરંપરા પ્રમાણે કંસરી માતા તરીકે ઓળખવામાં આવે છે ધાન્ય ખેતરમાં કાપવાથી માંડીને ખેતરમાં લઈ ગયા બાદ ભગવાનને ધરાવ્યા પછી જ આરોગવાની એક અનોખી પરંપરા છે જેને આજે પણ લોકો વળગી રહ્યા છે.

સૂરજ દેવતાની પૂજાને હુંરજ્યો તરીકે ઓળખવામાં આવે છે

પૃથ્વીનો આધાર ગણાતા અને જીવનને ટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સુરજ દેવતાની સૌપ્રથમ પૂજા કરવામાં આવે છે જેમાં આદિવાસીઓ સૂરજ દેવતાની પૂજાને હૂરજીઓ તરીકે ઓળખે છે અને તેની ત્રણેય ઋતુઓ માં પૂજા કરે છે

તમામ દેવી દેવતાઓની પૂજા વખતે ગામના લોકો સાથે ભેગા મળીને જમવાની પરંપરા

પ્રકૃતિ પૂજા સાથે જોડાયેલા આદિવાસી સમાજના લોકો ત્રણેય ઋતુમાં વિવિધ દેવતાઓની પૂજા કરે છે જેમાં તમામ દેવતાઓની પૂજા વખતે ગામના લોકો સમૂહમાં ભોજન બનાવીને આરોગે છે જેમાં સામૂહિક ભાવના જોવા મળે છે.

અષાઢ અને શ્રાવણ માસમાં વાઇરલ રોગો થી બચાવવા જડીબુટીનો કાઢો ગામલોકો સમૂહમાં પીએ છે

સાઢ અને શ્રાવણ માસમાં સૂર્યદેવતા ઓછા દેખાતા હોય છે અને ભેજવાળા વાતાવરણના કારણે વાઇરલ રોગો થવાની શક્યતા વધી જતી હોય છે તેવા સમયે ગામના વૈદો ભેગા મળીને જડીબુટ્ટીઓ લાવીને સમૂહમાં દવા બનાવી ગામ લોકોને પીવડાવે છે અને રોગોથી બચાવે છે.

પૂજા પદ્ધતિ અને વપરાતી સામગ્રીઓ

આદિવાસીઓની પ્રકૃતિ પૂજામાં પણ પરંપારિક તત્વોની સાથે પૂજા કરવામાં આવે છે જેમાં દેશી ગાયનું દૂધ શુદ્ધ ઘી માટીની બનાવેલી પ્રતિમાઓ સફેદ કલરની ઝંડી ઘરના દેશી ચોખા ગૌમૂત્ર

આ પણ વાંચો : Sharad Purnima 2023 : ભૂલથી પણ ન કરો આ કામ, જાણો શરદ પૂર્ણિમા અંગેના નિયમો

સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં માવલી પૂજા ખૂબ મહત્વની

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં માવલી પૂજા ખૂબ મહત્વના ત્યોહાર તરીકે ઉજવવામાં આવે છે જેમાં અનાજને ઘરમાં લઈ જતા પહેલા સમગ્ર પરિવાર બાધા રાખે છે અને માવલી પૂજન કરાવે છે જેમાં સમગ્ર ગામને જમાડે છે માવલી પૂજાની રાત્રે ગામના કેટલાક ભુવા ભગતો કરતબો કરે છે જેમાં સળગતા અંગારાઓ પર ચાલવાનું સળગતા અંગારા મોંમાં મૂકી ચાવવાનું અને વડના પારાથી અથવા તો સળગતા લાકડા થી શરીર પર મારવું જેવા કરતબો કરે છે પરંતુ આ પરંપરા હવે ભુલાઈ રહી છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">