Bhakti: 10 સરળ ઉપાય પ્રાપ્ત કરાવશે કષ્ટભંજનની કૃપા ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાની વિધિ
ભક્તો કષ્ટભંજનની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ, આજે અમારે એવાં ઉપાયોની વાત કરવી છે કે જે અત્યંત સરળ છે. જેના દ્વારા કષ્ટોમાંથી મુક્તિ તો મળશે જ સાથે જ કામનાપૂર્તિના આશિષની પણ પ્રાપ્તિ થશે.
હનુમાનજી (Hanuman) એટલે તો કષ્ટોને હરનારા દેવ. હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી. જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે. કહે છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું કોઈ ક્યારેય કંઈ બગાડી શકતું નથી. દસ દિશાઓ અને ચારેય યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે. અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે.
આમ તો હનુમાનજીની આરાધના ફળદાયી જ મનાય છે. પરંતુ, મંગળવાર, શનિવાર, તેરસ અને ચૌદસના રોજ થતી હનુમાન પૂજા સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. ભક્તો કષ્ટભંજનની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ, આજે અમારે એવાં ઉપાયોની વાત કરવી છે કે જે અત્યંત સરળ છે. અને આ સરળ ઉપાય થકી કષ્ટોમાંથી મુક્તિ પણ મેળવી શકાય છે તેમજ કામનાપૂર્તિના આશિષ પ્રાપ્ત કરી શકાય છે. આવો જાણીએ, કે આ દસ સરળ ઉપાય કયા છે !
શ્રીરામનું નામ કહે છે કે પવનપુત્રને સૌથી વધુ પસંદ જો કંઈ હોય તો તે સ્વયં શ્રીરામચંદ્રજીનું નામ છે. એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રીરામના નામનો વિધિવત 108 વખત જાપ કરો. તેનાથી શ્રીરામ અને હનુમાન બંન્નેની કૃપાની પ્રાપ્તિ થશે.
હનુમાનજીના જાપ કરો “ૐ શ્રી હનુમંતે નમઃ ।” મંત્રનો દરરોજ 108 વખત જાપ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
હનુમાન ચાલીસા કહે છે કે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા. ઘણાં ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા જ હોય છે. પણ, મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવું જોઈએ.
સુંદરકાંડનો પાઠ જો નિત્ય શક્ય ન બને તો પણ મહિનામાં એકવાર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી અંજનીસુત મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા હોવાની માન્યતા છે.
બજરંગ બાણનો પાઠ સુંદરકાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે. અલબત્, આ પાઠ નિયમાનુસાર થાય તે ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી પવનસુત અચૂક ભક્તની વ્હારે આવતા હોવાની માન્યતા છે.
3 વાટનો દીવો હનુમાનજીની પ્રતિમા સન્મુખ 3 વાટનો દીવો પ્રગટાવવાનો મહિમા છે. કહે છે કે ચમેલીના તેલનો 3 વાટનો દીવો પ્રગટાવાથી પવનસુત વિશેષ પ્રસન્ન થાય છે.
વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેતા જ હોય છે. પણ, મંગળવાર અને શનિવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે. કહે છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે.
પાનનું બીડું અર્પણ કરો તમે સાંભવ્યું જ હશે કે બીડા ઉઠાના. જેનો અર્થ થાય છે કે કોઇ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જવાબદારી પોતાના પર લેવી. જો તમારા જીવનમાં કોઇ મોટું સંકટ હોય કે કોઇ એવું કાર્ય કે જે કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય, તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દો. તેના માટે મંગળવાર કે શનિવારના દિવસે કોઇ મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરો. અને આવી પડેલ સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરો. માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે. એટલે કે તમને સમસ્યાથી મુક્ત કરી દેશે.
ગોળ-ચણાનો પ્રસાદ મોટાભાગે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ મંગળનો ઉપાય છે. તેનાથી મંગળદોષમાંથી મુક્તિ મળે છે. જો તમે કંઇપણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોવ અથવા બીજા કોઇ કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ-ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ. દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે.
નિયમોનું પાલન હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી વધુ મહત્વ છે નિયમ પાલનનું. પવનસુતની કૃપા ઈચ્છતા હોવ તો કોઈપણ પ્રકારના વ્યસન અને માંસાહારથી દૂર રહો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. કહે છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની કામના પૂર્ણ કરશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ઘર સંબંધિત આ વાસ્તુ દોષો હોય છે રોગોનું મુખ્ય કારણ, જાણો સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક સાબિત થઈ શકે છે વાસ્તુ દોષ
આ પણ વાંચો : દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?