શું તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો? જાણો RBI ના નવા નિયમ જે તમને ઘણા મદદરૂપ સાબિત થશે
બેંક લોકર ગ્રાહકોની સતત ફરિયાદો બાદ રિઝર્વ બેંકે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યા છે.
ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે(Reserve Bank of India) બેંક લોકર(Bank Locker)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે પણ કોઈપણ બેંકમાં લોકર ખોલવાનું વિચારી રહ્યા છો અથવા જો તમારી પાસે પહેલાથી જ કોઈ બેંકમાં લોકર છે, તો તમારા માટે નવા નિયમો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંક લોકર ગ્રાહકોની સતત ફરિયાદો બાદ રિઝર્વ બેંકે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો હાલ લાગુ કરી દેવાયા છે. જો તમે હજુ સુધી આ નિયમો વિશે જાણતા નથી તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તેમાં કયા-કયા ફેરફાર કરવામાં આવ્યા છે.
બેંક ચોરી માટે વળતર આપશે
ઘણા ગ્રાહકોની ફરિયાદ હોય છે કે તેમના લોકરમાંથી સામાન ચોરાઈ ગયો છે. રિઝર્વ બેંકે હવે કડક નિયમો બનાવ્યા છે. તેનાથી બેંકોની જવાબદારી વધી ગઈ છે. હવે જો તમારા લોકરમાંથી કોઈ પણ વસ્તુની ચોરી થાય છે અથવા કોઈ પ્રકારની ગડબડ થાય છે તો બેંકે ગ્રાહકને લોકરના ભાડાના 100 ગણું વળતર આપવું પડશે. હવે બેંકો એવું કહી શકે નહીં કે તેઓ ચોરી માટે જવાબદાર નથી.
CCTV ફરજિયાત કરાયા
હવે બેંકોએ લોકર રૂમ પર નજર રાખવા માટે સીસીટીવી લગાવવું ફરજિયાત રહેશે. આ સાથે સીસીટીવીનો ડેટા 180 દિવસ સુધી રાખવો પણ જરૂરી બનાવવામાં આવ્યો છે. આ કોઈ વિસંગતતા જોવા મળે છે કે કેમ તે તપાસવામાં મદદ કરશે. પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક બેંકમાં કોઈ ગડબડ અથવા ચોરીની ફરિયાદ કરે તો સીસીટીવી ફૂટેજનું રેકોર્ડ રાખવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ઈ-મેલ અને એસએમએસ એલર્ટ મોકલવાસૂચના
ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે રિઝર્વ બેંકે હવે એ જરૂરી બનાવ્યું છે કે જ્યારે પણ ગ્રાહક તેના લોકરને એક્સેસ કરે ત્યારે બેંકે એસએમએસ અને ઈ-મેલ મોકલવા પડશે. આ ચેતવણી ગ્રાહકોને છેતરપિંડીથી બચાવશે.
ખાલી લોકરની માહિતી જાહેર કરવી પડશે
રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર બેંકો હવે ગ્રાહકોને લોકર વિશે અડધી પૂર્ણ અથવા ખોટી માહિતી આપી શકશે નહીં. તેમણે ખાલી લોકરની યાદી, લોકરની વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટની સંખ્યા જાહેર કરવી પડશે. આને બેંકના ડિસ્પ્લે બોર્ડ પર લગાવવાના રહેશે. ઉપરાંત, તેઓએ લોકર ખોલવા સંબંધિત તમામ અરજીઓ સ્વીકારવી પડશે અને ગ્રાહકોને વેઇટિંગ લિસ્ટ વિશે જાણ કરવી પડશે.