જૂનુ થઈ ગયું ટ્યુબલેસ ટાયર, હવે આવ્યું એરલેસ ટાયર
એરલેસ ટાયર આજકાલ મોટા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. એરલેસ ટાયરને ટાયર ટેકનોલોજીમાં આગામી મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. એરલેસ ટાયર શું છે ? તે કેવી રીતે કાર્ય કરે છે ? તેના ફાયદા શું અને ગેરફાયદા કેટલા ? ટ્યુબલેસ ટાયરથી તે કેવી રીતે અલગ છે ? તે અંગે જાણો.

ભારતમાં આજકાલ ઓટો બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે. વર્ષો પહેલા, ટ્યુબ વાળા ટાયર સામાન્ય હતા. જોકે, પછીથી, ટ્યુબલેસ ટાયર બજારમાં આવ્યા, જેનાથી વાહનોની સલામતી અને સુવિધા બંનેમાં વધારો થયો. પરંતુ હવે, એરલેસ ટાયર મોટા શહેરમાં ચર્ચાનો વિષય છે. એરલેસ ટાયરને ટાયર ટેકનોલોજીમાં મોટુ પરિવર્તન માનવામાં આવી રહ્યુ છે.
એરલેસ ટાયર શું છે?
એરલેસ ટાયરનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તેમાં હવા ભરવાની જરૂર નથી. ટારરને હવા ભરીને ફૂલાવાની કોઈ ઝંઝટ પણ હવે નહીં રહે, આ ટાયરમાં પંચર પડવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફ્લેટ ટાયરનો ડર પણ રાખવાનો નથી. હવાને બદલે, આ ટાયરમાં મજબૂત રબરના સ્પોક્સ અને બેલ્ટ લગાવવામાં આવ્યા છે, જે ટાયરને તેનો આકાર અને શક્તિ આપે છે. આનાથી તે પથ્થર, કાચ અથવા ખીલા જેવી વસ્તુઓ પરથી સરળતાથી પસાર થઈ શકે છે, અને નુકસાન થવાની શક્યતા ઓછી છે.
તેની ડિઝાઇન પણ ખૂબ જ સારી છે, કારણ કે તેમની આંતરિક રચના બહારથી દેખાય છે. સૌથી સારી વાત એ છે કે, તે સંપૂર્ણપણે જાળવણી-મુક્ત છે. હવા તપાસવાની કે વારંવાર દેખરેખ રાખવાની ઝંઝટની જરૂર નથી. આ ટાયર લાંબા ડ્રાઇવ અને ઉબડખાબડ રસ્તાઓ માટે આદર્શ ગણાવાયા છે.
ભારતમાં એરલેસ ટાયરની કિંમત
હાલમાં, એરલેસ ટાયરનો વપરાશ અન્ય ટાયરની સરખામણીએ ઘણો ઓછો હોવાથી તેની કિંમત ઘણી ઊંચી છે. મીડિયા અહેવાલો અનુસાર, એરલેસ ટાયરની કિંમત સામાન્ય રીતે રૂપિયા 10,000 થી માંડીને 20,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જ્યારે, નિયમિત ટ્યુબલેસ ટાયરની કિંમત ફક્ત રૂપિયા 1,500 થી 7,000 રૂપિયાની વચ્ચે હોય છે. આનો મતલબ એવો પણ થાય કે એરલેસ ટાયર હાલમાં ટ્યુબલેસ ટાયર કરતા અનેક ગણા મોંઘા છે. જો કે, એરલેસ ટાયરની માંગ વધવાની સાથે સાથે, તેની કિંમતોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
એરલેસ ટાયર કેવી રીતે કામ કરે છે ?
એરલેસ ટાયર રસ્તા પર પડેલી કોઈપણ ચીજવસ્તુ કે તીક્ષ્ણ વસ્તુના આકારને અનુરૂપ ટાયરના સ્પોક્સને વાળે છે. કારણ કે તેમાં હવા હોતી નથી, તે ફાટતા પણ નથી કે પછી નથી પડતા પંચર. આ ટેકનોલોજી તેમને સંપૂર્ણપણે પંચર-પ્રૂફ બનાવે છે.
ફાયદા
◉ પંચર થવાની કોઈ સંભાવના નથી. ◉ ટાયરની જાળવણી શુન્ય. હવા છે કે નહીં તે ચકાસવાની જરૂર નથી. હવા ભરવાની પણ ઝંઝટ નહીં. ◉ લાંબુ આયુષ્ય અને મજબૂત પકડ. ◉ લાંબી ડ્રાઇવ અને ઑફ-રોડિંગ માટે આદર્શ. ◉ ફાટવાનું શૂન્ય જોખમ. ◉ આ કારણોસર, હવા વગરના ટાયર ભવિષ્યમાં વાહનો માટે એક મોટી ક્રાંતિ સાબિત થઈ શકે છે.
ગેરફાયદા
◉ તેઓ થોડા ઉછાળ વાળા લાગે છે. ◉ રસ્તા સાથે વધુ સંપર્ક થવાથી કંપન વધે છે. ◉ ટાયરને રોડ પર ફરતા રાખવા માટે વધુ તાકાતની જરૂર પડે છે, જે ઇલેક્ટ્રિક વાહનની બેટરી ઝડપથી ડ્રેઇન કરી શકે છે. ◉ હાલમાં, આ ટાયર વાળા વાહનો થોડી ઓછી માઇલેજ આપે છે. ◉ કિંમત હજુ પણ ખૂબ વધુ છે.
શું આ ટાયર ભવિષ્ય માટે તૈયાર છે?
ઓટોમોબાઈલ જગતમાં એરલેસ ટાયરને એક મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ માનવામાં આવે છે. તે પંચર-મુક્ત, જાળવણી-મુક્ત અને અત્યંત ટકાઉ દર્શાવવામાં આવ્યા છે. જોકે, તેની કિંમત સૌથી મોટા પડકાર છે. જેમ જેમ આ ટેકનોલોજી સામાન્ય બનશે તેમ તેમ તેની કિંમત ઘટશે. હાલમાં, એ સ્પષ્ટ છે કે એરલેસ ટાયર ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર વાહનોને વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક બનાવી શકે છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રે અવનવી ટેકનોલોજી આવતી રહે છે. આપ ઓટો સેકટરમાં નવી આવેલ ટેકનોલોજી અંગે વિગતે જાણવા માંગતો હોવ તો, અહીંયા ક્લિક કરો.