Breaking News : ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના 43 સ્ટોર્સના રાતોરાત પાટિયા પડી ગયા, જાણો આ છે કારણ
ઓલાના ખરાબ દિવસો ખતમ થવાના કોઈ એંધાણ વર્તાતા નથી. કંપનીને તેના 40 થી વધુ સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં RTOનો નિર્ણય ઓલા વિરુદ્ધ આ કાર્યવાહીનું કારણ બન્યો છે. જાણો આરટીઓનો એવો તો શુ નિર્ણય છે?

ભાવિશ અગ્રવાલની ઓલા ઈલેક્ટ્રિક ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ઓલા ઈલેક્ટ્રીક, જે તેના ઈલેક્ટ્રિક સ્કૂટરની ગુણવત્તાથી લઈને સેવામાં વિલંબ સુધીની દરેક બાબતો માટે ટીકાનો ભોગ બનેલી હતી. કોઈને કોઈ કારણોસર વિવાદને લઈને સમાચારમાં સતત ચમકતી રહી છે, તેણે 40 થી વધુ સ્ટોર્સ બંધ કરવા પડ્યા છે. જ્યારે થોડા મહિના પહેલા જ ઓલા ઈલેક્ટ્રીકે એક સાથે 4,000 સ્ટોર ખોલીને નવો રેકોર્ડ ફણ બનાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં આરટીઓએ ઓલા ઇલેક્ટ્રિકને તેના સ્ટોર્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કંપની ટ્રેડ સર્ટિફિકેટ વિના આ સ્ટોર્સ પર ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ અને સર્વિસ કરતી હતી. આના પર કડક કાર્યવાહી કરીને ઓલા ઈલેક્ટ્રીકને સ્ટોર બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
43 સ્ટોર્સ બંધ
મહારાષ્ટ્રના જોઈન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનરે નિર્દેશ આપ્યો છે કે, અલગ-અલગ આરટીઓના અધિકારક્ષેત્રમાં આવતા ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર સ્ટોર્સને બંધ કરી દેવા જોઈએ, જ્યાં ટ્રેડ સર્ટિફિકેટ વિના બિઝનેસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ટ્રેડ સર્ટિફિકેટ વગરના 107 ઓલા સ્કૂટર સ્ટોર મળી આવ્યા હતા. જેમાંથી 43 ના તો પાટીયા પડી ગયા છે. જ્યારે અન્ય 64 સ્ટોરને એક દિવસની નોટિસ પર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અનેક ઈલેક્ટ્રીક સ્કૂટર જપ્ત થશે
મહારાષ્ટ્રમાં, આરટીઓએ અત્યાર સુધીમાં 131 ઓલા સ્ટોર્સનું નિરીક્ષણ કર્યું છે. આ સ્ટોર્સ પર હાજર લગભગ 214 ઇલેક્ટ્રિક સ્કૂટર જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, ઓલા ઈલેક્ટ્રીકના પ્રવક્તાએ આ આંકડાને નકારી કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કંપની અધિકારીઓનો સંપર્ક કરી રહી છે અને તેમની ચિંતાઓને ઉકેલવા માટે કામ કરી રહી છે.
જો કે, ઓલાએ આ પહેલા પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ખામીઓને લઈને તેમની પોસ્ટ લખી છે. જ્યારે, કંપનીના સીઇઓ ભાવિશ અગ્રવાલ અને કોમેડિયન કુણાલ કામરા વચ્ચે ‘X’ પર જોરદાર ચર્ચા જોવા મળી હતી.
ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપની, નવા મોડલનુ લોન્ચ, વ્હીકલ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત વગેરે જાણવા માટે તમે અમારા ઓટોમોબાઈલ ટોપિક પર ક્લિક કરો.