
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી કેટલાક મહિનાઓ માટે વિસ્તૃત હવામાન આગાહી કરી છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ, શિયાળામાં માવઠું અને વાવાઝોડાની શક્યતાઓનો સમાવેશ થાય છે. તેમની આગાહી ખેડૂતો અને રાજ્યના સામાન્ય જનજીવન માટે મહત્વની સાબિત થઈ શકે છે.
અંબાલાલ પટેલના મતે, અલનીનોની અસરને કારણે રાજ્યમાં હાલ હળવા વરસાદની શક્યતા છે. 11 સપ્ટેમ્બરથી ભેજ સર્જાશે, અને 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા અને ખૂબ જ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા ઓછી વર્તાઈ રહી છે. જોકે, 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 17 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ઘણા ભાગોમાં હળવો, મધ્યમ અને ક્યાંક સારો તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ લાવી શકે છે.
કૃષિ દૃષ્ટિએ, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે, જ્યારે તે પહેલાંનો વરસાદ પાક માટે ખાસ લાભદાયી નથી.
સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 22 થી 24 સપ્ટેમ્બરની આસપાસ હવાના હળવા દબાણની સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જેના પરિણામે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના શબ્દોમાં, આ વરસાદ ‘હાથીયા નક્ષત્ર’ના ગાજવીજ સાથે વરસી શકે છે, જે કીડને ભગાડી દે તેવો ગણી શકાય.
લાંબા ગાળાની આગાહીમાં અંબાલાલ પટેલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવાઝોડાની શક્યતાઓ પણ દર્શાવી છે. બંગાળના ઉપસાગરમાં પશ્ચિમી વિક્ષેપ સર્જાવાને કારણે વાવાઝોડું અને માવઠું (અકાળ વરસાદ) થઈ શકે છે.
શિયાળામાં પણ પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠું થવાનો ભય વ્યક્ત કરાયો છે. ભૂમધ્ય મહાસાગર (મેડીટેરીયન સી) માંથી પાકિસ્તાન થઈને ઉત્તર ભારતના ભાગોમાં આવતા પશ્ચિમી વિક્ષેપની સંખ્યા આ વખતે વધવાની શક્યતા છે. જો આ પશ્ચિમી વિક્ષેપો મજબૂત હોય અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થાય, તો ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. માવઠા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ આગાહી છે.
ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી આપતા, અંબાલાલ પટેલે 8 થી 15 નવેમ્બર સુધી ઘઉં, જીરા જેવા રવિ પાકોનું વાવેતર કરવા યોગ્ય સમય ગણાવ્યો છે. જો શિયાળામાં સારી ઠંડી પડે, તો રવિ પાક સારા થઈ શકે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
થાઇરોઇડના દર્દીઓ માટે સંજીવની સમાન છે આ 6 સુપરફૂડ્સ, આજે જ તમારા ડાયટમાં કરો સામેલ!
Published On - 4:02 pm, Tue, 8 September 26