મેઘરાજાની બોલિંગ સામે સુરત પાલિકા ક્લીન બોલ્ડ, પહેલા જ વરસાદમાં શું થઇ હાલત જુઓ

પહેલા વરસાદમાં જ સુરત પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. સતત વરસાદને કારણે શહેરના અડાજણ, કતારગામ, પુણા, વેસુ, વીઆઇપી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.

  • Updated On - 3:21 pm, Fri, 18 June 21 Edited By: Gautam Prajapati

સુરતમાં ગઈકાલ રાતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મેઘરાજાની આ ધમાકેદાર બોલિંગ સામે સુરત પાલિકા ક્લીન બોલ્ડ થતી જોવા મળી રહી છે. શહેરમાં રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો હતો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન પર અસર જોવા મળી હતી.

જેની સંભાવના પહેલાથી દેખાઈ રહી હતી એવું જ જોવા મળ્યું છે. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. સુરતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે શહેરના અડાજણ, કતારગામ, પુણા, વેસુ, વીઆઇપી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સુરતના અડાજણ વિસ્તારમાં ભૂલકાભવન સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા હતા. તે જ રીતે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વેસુ વીઆઇપી રોડ, પુણા ગામ વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે વાહનચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો.

પાલિકા તંત્રને ચાલુ વર્ષે પણ કોરોનાના કારણે પ્રિમોન્સૂન કામગીરી કરવા માટે સમય નહોતો મળ્યો જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીના નિકાલ, ડ્રેનેજની સફાઈ ન થવાના કારણે કલાકો સુધી પાણી ઓસર્યા નહોતા.

સુરતના પાલ વિસ્તારમાં તો રસ્તા પર ભુવો પડ્યો હોવાની પણ માહિતી સામે આવી હતી. એટલું જ નહીં કાદરશાની નાળ, ઉધના દરવાજા, રીંગરીડ, ભાગળ સહિતના વિસ્તારોમાં જ્યાં રસ્તાનું કામ ચાલે છે ત્યાં લોકોને ટ્રાફિક જામ સહન કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચો: Surat Corporation: કોર્પોરેશન પોતાનો ખર્ચ ઘટાડી નથી રહી અને સ્થાયી સમિતિએ ઇન્જેક્શન ટેસ્ટ કીટ ખરીદવામાં કાપ મુક્યો

આ પણ વાંચો: Surat : AAPના મહિલા કોર્પોરેટરનો આક્ષેપ ભાજપમાં ભળવા મળી 3 કરોડની ઓફર

Click on your DTH Provider to Add TV9 Gujarati