રાજકોટ જિલ્લામાં ભૂકંપની હલચલ યથાવત છે. રાતથી અત્યાર સુધી કુલ 21 ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાં તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટા નજીક રહ્યું છે. ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં સૌથી વધુ અસર અનુભવાઈ હતી. ઉપલેટામાં આજે સવારે જ 11 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. સવારે 6.19 વાગે 3.8 તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો, ત્યારબાદ 8.21 વાગે 3.0, 8.34 વાગે 3.2 અને 9.45 વાગે ફરી 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો. સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાથી ધ્રુજારી વધુ અનુભવાઈ હતી. આવા સતત આંચકાઓને જિયોલોજીકલ ભાષામાં “Swarm Activity” કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળમાં થતા પરિવર્તનને કારણે આંચકાઓ આવ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હજુ થોડા હલકા આંચકા આવી શકે, પરંતુ હાલ પરિસ્થિતિ ચિંતાજનક નથી.