Mythology : શું તમને ખબર છે, મહાભારતના યુદ્ધમાં લાખો સૈનિકોનું ભોજન કોણે બનાવ્યું ? જાણો રસપ્રદ કથા
Mythology: મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી 11 અક્ષૌહિણી અને પાંડવો તરફથી 7 અક્ષૌહિણી સેનાએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તમામ મહારથીઓ અને સૈન્ય સહિત 50 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ હવે સવાલ એ થાય છે કે, આટલી વિશાળ સૈન્ય માટે યુદ્ધ દરમિયાન ભોજન કોણ બનાવતું હતું
મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી 11 અક્ષૌહિણી અને પાંડવો તરફથી 7 અક્ષૌહિણી સેનાએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તમામ મહારથીઓ અને સૈન્ય સહિત 50 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ હવે સવાલ એ થાય છે કે, આટલી વિશાળ સૈન્ય માટે યુદ્ધ દરમિયાન ભોજન કોણ બનાવતું હતું અને કેવી રીતે? આ ઉપરાંત સૌથી મોટો પ્રશ્ન એ છે કે, દરરોજ હજારો સૈનિકો મૃત્યુ પામતા હતા, ત્યારે ભોજન કયા આધારે બનાવવામાં આવતું હતું. આ તમામ પ્રશ્નોના જવાબ આપણે જાણીશું.
મહાભારતને વિશ્વનું પ્રથમ વિશ્વ યુદ્ધ કહી શકાય કારણ કે, તે સમયે ભાગ્યે જ કોઈ રાજ્ય હતું જેમણે આ યુદ્ધમાં ભાગ ના લીધો હોય. તે સમયે તમામ રાજાઓએ કૌરવો કે પાંડવોના પક્ષમાંથી યુદ્ધમાં ભાગ લીધો હતો. બલારામજીએ આ યુદ્ધમાં ભાગ લીધો ન હતો. આ ઉપરાંત બીજું એક રાજ્ય પણ હતું, જે યુદ્ધના મેદાનમાં હોવા છતાં પણ યુદ્ધમાં સામેલ થયું ના હતું.
મહાભારતમાં વર્ણિત કથા અનુસાર, જ્યારે ઉડીપીના રાજા તેમની સેના સાથે કુરુક્ષેત્ર પહોંચ્યા, ત્યારે કૌરવો અને પાંડવો બંનેએ ઉડીપી સેનાને તેમના પક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઉડીપી રાજા દિર્ધદ્રષ્ટિ વાળા હતા, તેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે, બંને પક્ષોમાંથી કોઈએ વિચાર્યું છે કે, આટલી વિશાળ સૈન્યના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે, મહારાજ, તમે એકદમ બરાબર વિચાર્યું છે. મને લાગે છે કે,
તમે આ માટે કોઈ યોજના બનાવી છે, તેથી કૃપા કરીને મને કહો. ત્યારબાદ ઉડીપી નરેશે કહ્યું કે, મને આ યુદ્ધમાં ભાગ લેવાની ઇચ્છા નથી, તેથી મારે મારી સેના સાથે ભોજન માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે, તમારો વિચાર ખૂબ સારો છે. આ યુદ્ધમાં આશરે 50 લાખ સૈનિકો ભાગ લેશે, અને જો તમારા જેવા કુશળ રાજા તેમના ભોજનની વ્યવસ્થા કરે તે ઉત્તમ વિચાર છે.
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે, હું જાણું છું કે સાગર જેવી આ વિશાળ સૈન્યના ભોજનનું સંચાલન કરવું તમારા અને ભીમસેન સિવાય બીજા કોઈ માટે શક્ય નથી. પરંતુ ભીમસેનને આ યુદ્ધમાંથી મુક્ત કરવા શક્ય નથી. તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે જ બંને સૈન્યના ભોજનની વ્યવસ્થા સંભાળો. આ રીતે ઉડીપીના રાજાએ સૈન્યના ભોજનની વ્યવસ્થા સંભાળી.
મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે ઉડીપી રાજાએ ઉપસ્થિત તમામ યોદ્ધાઓ અને સૈનિકો માટે ભોજનની વ્યવસ્થા કરી. તેમનું આયોજન અને આવડત એવી હતી કે, દિવસના અંત સુધીમાં અનાજનો જરા પણ બગાડ થયો નહી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ લડવૈયાઓની સંખ્યા ઘટતી જતી હતી. યોદ્ધાઓ તે જોઈને આશ્ચર્યચકિત થયા કે દરેક દિવસના અંત સુધીમાં, ઉડીપીના રાજા જેટલા સૈનિકો જીવીત રહેતા તેટલા માટે જ ભોજન બનાવતા હતા. પરંતુ કોઈ એ સમજી શક્યું ન હતું કે, રાજાને કેવી રીતે ખબર પડતી હતી કે, આજે કેટલા સૈનિકોનો વધ થશે અને તેથી તેના આધારે ભોજનની વ્યવસ્થા કરવી.
આટલી વિશાળ સેનાના ભોજનનું સંચાલન કરવું તે એક આશ્ચર્ય હતું અને સાથે જ અન્નના એક દાણાનો પણ બગાડ ના થવો તે એક ચમત્કાર જ હતો. આમ 18 માં દિવસે યુદ્ધનો અંત થયો અને પાંડવોનો વિજય થયો. રાજ્યાભિષેકના દિવસે યુધિષ્ઠિરે કહ્યું કે, મહારાજ સમસ્ત દેશોનો રાજા પ્રશંસા કરી રહ્યા છે કે, આપણી પાસે ઓછી સેના હોવા છતાં પણ કૌરવોને યુદ્ધમાં પરાસ્ત કર્યા છે.
તેથી વધારે પ્રશંસાને પાત્ર તમે છો, જેમણે વિશાળ સૈન્ય માટે ભોજનનું સંચાલન કર્યું હતું અને અનાજનો જરા પણ બગાડ થતો ના હતો. હું તમારી આ કુશળતાનું રહસ્ય જાણવા માંગું છું.ઉડીપીના રાજાએ હસીને કહ્યું કે, તમે આ યુદ્ધમાં જે વિજય મેળવ્યો તેનો શ્રેય કોને આપશો? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ સિવાય શ્રેય બીજા કોઈને જઇ ના શકે.
જો તેઓ ના હોત તો કૌરવો સામે વિજય મેળવવો અશક્ય હોત. ત્યારે ઉડીપી નરેશે કહ્યું કે, હે મહારાજ, જેને તમે મારો ચમત્કાર કહી રહ્યા છો તે પણ ભગવાન શ્રી કૃષ્ણના કારણે જ શક્ય બન્યું હતું. આ સાંભળી ત્યાં હાજર બધા લોકો દંગ રહી ગયા.
આ રહસ્ય પરથી પડદો હટાવતા ઉડીપી નરેશે કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ રાત્રે મગફળી જમતા હતા. હું દરરોજ ભગવાને ગણતરી કરીને મગફળી આપતો હતો. ભગવાને કેટલી મગફળી ખાધી તેની ગણતરી કરતો. ભગવાન શ્રી કૃષ્ણ જેટલી મગફળી જમતા તેનાથી હજાર ગણા સૈનિકો યુદ્ધમાં વિરગતીને પામતા હતા. જો ભગવાન 50 મગફળી જમતા તો, હું સમજી જતો કે બીજા દિવસે યુદ્ધમાં 50 હજાર લડવૈયાઓનો વધ થશે અને તે જ પ્રમાણે ભોજનની વ્યવસ્થા કરતો હતો. અને આજ કારણથી ખોરાકનો ક્યારેય બગાડ થતો ના હતો.
ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારથી ઉપસ્થિત બધા નતમસ્તક થયા. આ કથા મહાભારતની દુર્લભ કથાઓમાંની એક છે. કર્ણાટકના ઉડીપી જિલ્લામાં સ્થિત કૃષ્ણ મઠમાં મહાભારતની આ કથા કરવામાં આવે છે. આ મઠની સ્થાપના પણ ઉડીપીના રાજા દ્વારા જ કરવામાં આવી છે.
પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.
આગળની કથા જુઓ આ વીડિયોમાં