Mythology : શું તમને ખબર છે કે આ સ્થળે હનુમાનજી બંધાયા સાંકળેથી, જાણો કેમ ? આ રસપ્રદ કથા
Mythology : ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર આવેલું છે. સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ધામ એટલે જગન્નાથ મંદિર. આ મંદિરની પશ્ચિમ દિશામાં સમુદ્ર કિનારે એક હનુમાન મંદિર પણ છે, જેને બેડી હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર આવેલું છે. સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ધામ એટલે જગન્નાથ મંદિર. આ મંદિરની પશ્ચિમ દિશામાં સમુદ્ર કિનારે એક હનુમાન મંદિર પણ છે, જેને બેડી હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
મંદિરના નામ પ્રમાણે અહી હનુમાનજીને સાંકળોથી બાંધી રાખવામાં આવે છે, પરંતુ શા માટે ? આ મંદિર નાનું છે પણ તેના પાછળ એક રોચક કથા જોડાયેલી છે. ભક્તો જગન્નાથ મંદિરે દર્શાનાર્થે આવે છે ત્યારે આ બેડી હનુમાન મંદિરની પણ મુલાકાત લે છે. આજે આ મંદિરની કથા વિશે જાણીશું.
બેડીનો અર્થ સાંકળ થાય છે, એટલે કે આ મંદિરમાં હનુમાનજીને સાંકળોમાં બાંધી રાખવાને કારણે, તે બેડી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. આ સિવાય આ મંદિરનું બીજું નામ દરિયા મહાવીર મંદિર પણ છે. દરિયો એટલે સમુદ્ર અને મહાવીર એ હનુમાનજીનું નામ છે. આ મંદિરમાં હનુમાનજીને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી જગન્નાથજી દ્વારા બાંધી દેવામાં આવ્યા હતા.
પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી પુરીના દરિયાકાંઠે એક વિશાળ જગન્નાથ મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે મંદિરને સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે હનુમાનજીને મંદિરની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. બધા લોકો રામ ભક્ત હનુમાનજીના ચરિત્ર અને ભક્તિથી પરિચિત છે.
હનુમાનજી મંદિરની સુરક્ષામાં સમુદ્રની રક્ષા કરતા હતા, પરંતુ ઘણી વખત ભગવાનના દર્શાનની ઇચ્છાથી હનુમાનજી મંદિરમા આવતા હતા. હનુમાનજીનની સાથે દરિયા દેવ પણ શહેરમાં પ્રવેશતા હતા. સમુદ્ર દેવ આવતા તે સમયે શહેરની સાથે જગન્નાથ મંદિરમાં પણ દરિયાના પાણીથી નુકસાન થતું હતું.
હનુમાનજી આ રીતે વારંવાર ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવતા અને તેથી સમુદ્નના પાણીના કારણે મંદિરને નુકશાન થતું હતું. આ સમસ્યાના સમાધાન માટે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ઉપાય મળતો ના હતો. અંતે, ભગવાન જગન્નાથજીએ હનુમાનજીને તે જ દરિયાકાંઠે સાંકળથી બાંધી દીધા અને કહ્યું કે હવેથી તમે અહીં જ રહેજો અને મંદિરની સુરક્ષા કરજો.
ભગવાન જગન્નાથે હનુમાનજીને બાંધી દીધા ત્યારથી હનુમાનજીનું મંદિર તે જ સમુદ્ર તટ પર સાંકળમાં બંધાયેલું છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. તમે જગન્નાથજી મંદિરના દર્શને જવાનું વિચારી રહ્યા છો, તો બેડી હનુમાન મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરી શાંતિનો અનુભવ થાય છે. બીચ પર બનેલા આ નાના અને સુંદર મંદિરને જોઈને તમારું મન આનંદિત થશે.