Breaking News: રાજસ્થાનની રિફાઈનરીમાં ‘અગ્નિ તાંડવ’: CDU યુનિટમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી, PM મોદી કરવાના હતા લોકાર્પણ
રાજસ્થાનના બાલોતરામાં આવેલી રિફાઈનરીના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં ભીષણ આગ ફાટી નીકળી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના હતા, તે પહેલાં જ સર્જાયેલી આ દુર્ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ વચ્ચે કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
રાજસ્થાનના બાલોતરામાં આવેલી પ્રતિષ્ઠિત રિફાઈનરીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રિફાઈનરીના અત્યંત મહત્વના એવા ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે છે કે આસપાસના કિલોમીટરો સુધી ધુમાડાના કાળા ગોટેગોટા દેખાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે રિફાઈનરી અને આસપાસના રહેણાંક વિસ્તારોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
લોકાર્પણના 24 કલાક પહેલા જ દુર્ઘટના
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આવતીકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિફાઈનરી યુનિટનું લોકાર્પણ કરવાના હતા. પીએમ મોદીના કાર્યક્રમ માટે જે સ્થળ પર ફાયર બ્રિગેડના વાહનો તૈનાત હતા, તેને પણ તાત્કાલિક રિફાઈનરી યુનિટમાં આગ બુઝાવવા માટે રવાના કરી દેવાયા છે. હાલમાં મોટી સંખ્યામાં ફાયર જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ બુઝાઈ નથી.
PM મોદીનું સભા સ્થળ સુરક્ષિત
સદનસીબે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા જે સ્થળે યોજાવાની છે, તે આ યુનિટથી અંદાજે એક કિલોમીટર દૂર છે અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સભા સ્થળ સંપૂર્ણ સુરક્ષિત છે. જોકે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પરિસ્થિતિની ગંભીરતાને જોતા ટૂંક સમયમાં રિફાઈનરીની મુલાકાત લઈ શકે છે.
રિફાઈનરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલની પ્રાથમિકતા આગને આગળ વધતી અટકાવવાની અને જાનહાનિ રોકવાની છે. તમામ કર્મચારીઓને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાના અહેવાલ છે, પરંતુ પ્રોપર્ટીને થયેલા નુકસાનનો અંદાજ આગ બુઝાયા બાદ જ આવી શકશે.
ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ: બદલી રોકવા રૂ. 30 થી 50 હજારનો ‘વહીવટ’