ઈથિયોપિયામાં 10,000 વર્ષ બાદ જ્વાળામુખી ફાટતા  દુનિયા સ્તબ્ધ, રાખના ગોટેગોટા ભારત પહોંચ્યા

ઈથિયોપિયામાં 10,000 વર્ષ બાદ જ્વાળામુખી ફાટતા દુનિયા સ્તબ્ધ, રાખના ગોટેગોટા ભારત પહોંચ્યા

| Updated on: Nov 25, 2025 | 8:11 PM

જ્વાળામુખી ફાટવું સામાન્ય છે અને તેની અસરો પણ સામાન્ય છે, પરંતુ તાજેતરમાં ઇથોપિયામાં 10,000 વર્ષ પહેલાં સુષુપ્ત રહેલો એક જ્વાળામુખી ફરીથી ફાટ્યો છે અને તેની અસર એટલી ખતરનાક હતી કે તેની અસર ઓમાન, યમન અને ભારત જેવા દેશોમાં પણ ઊંડી અનુભવાઈ હતી.

ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં આવેલો હાયલી ગૂબી જ્વાળામુખી લગભગ 10 હજાર વર્ષોમાં પહેલી વાર ફાટ્યો છે, જેને વૈજ્ઞાનિકોએ એક અસાધારણ ઘટના ગણાવી છે. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ (SO2) 15 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા છે.

આ રાખના વાદળો રેડ સી પાર કરીને યમન અને ઓમાન થઈને એશિયામાં પ્રવેશ્યા છે. વેધર મોનિટરિંગ ટીમ અનુસાર, લગભગ 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાદળો સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાન (જોધપુર-જેસલમેર) માં દાખલ થયા બાદ આ રાખના વાદળો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયા છે, જેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે.

SO2 ને કારણે રાખ જોખમી બની છે, જેથી નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવા અને ઘરમાં રહેવા સલાહ આપી છે. આ વિસ્ફોટના કારણે DGCA એરલાઇન્સ માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેના પગલે ઘણી ફ્લાઇટ્સ રદ કે ડાઇવર્ટ કરવામાં આવી છે, કારણ કે જ્વાળામુખીની આ રાખ વિમાનના એન્જિન માટે જોખમી છે. રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પ્રોટોકોલ મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે.