ભાવનગરમાં બિસ્માર રસ્તાને કારણે વધુ એક મહિલાએ ગુમાવ્યો જીવ, બાઈક પરથી પટકાતા થયુ મોત- વીડિયો
ભાવનગરના રસ્તાઓની હાલત એ હદે બિસ્માર છે કે લોકોના જીવ જઈ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રસ્તા પરના ખાડાને કારણે એક બાઈક ચાલક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારે બિસ્માર રસ્તાને કારણે વધુ એક મહિલાએ જીવ ખોવાનો વારો આવ્યો છે.
ભાવનગરના બિસ્માર રસ્તાને કારણે નાગરિકોના એક બાદ એક મોત થઈ રહ્યા છે અને તંત્ર મસ્ત બની તમાશો જોયા કરે છે. ભાવનગરનું મહાનગરપાલિકાનું તંત્ર એ હદે વામણુ પુરવાર થયુ છે કે જ્યાં પાકો રોડ હોય તેની ઉપર બીજો રોડ બનાવવાનું મહાનગરપાલિકામાંથી કોઈ તપાસ વિના ટેન્ડર પાસ થઈ જાય છે અને રોડની કામગીરી પણ શરૂ કરી દેવાય છે. અને અંધેર વહીવટની જાણ તંત્રને ખાતમુહૂર્ત સમયે થાય છે. અને શહેરમાં જ્યાં ખરેખર સારા રસ્તાની જરૂર છે ત્યાં રસ્તો બનાવવાની તંત્ર દ્વારા કોઈ કામગીરી જ નથી કરવામાં આવતી.
રોડ રસ્તાના કામો માટે આ બજેટમાં જ કરોડોનુ બજેટ ફાળવવામાં આવ્યુ પરંતુ મજાલ છે તેને ખરા અર્થમાં રોડ રસ્તાના કામમાં વાપરે. આ એટલે કહેવુ પડે છે કે શહેરની વરતેજ રંગોલી ચોકડી પાસે ખરાબ રસ્તાને કારણે ચાલુ બાઈક પરથી પટકાતા મહિલાનું મોત થયુ છે. જીકુબેન સાટિયા નામના મહિલાએ ખરાબ રસ્તાને કારણે જીવ ગુમાવ્યો છે. પોલીસે બિસ્માર રસ્તાને કારણે મોત થયાની ફરિયાદ નોંધી છે. લાંબા સમયથી આ રસ્તાના સમારકામની માગ થઈ રહી છે પરંતુ રસ્તો બનાવવાની તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
આ પણ વાંચો: અમદાવાદ: બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા પહેલા CCTVની ચકાસણી, ગેરરીતિ અને કોપી કેસ ઝડપી પાડવા તપાસ તેજ- Video