Bharuch News : હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો દાખલ
ભરૂચ જિલ્લાના હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસકર્મીઓ દારૂ પીને નાચગાન કરતા અને મસ્તી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસકર્મીઓ દારૂ પીને નાચગાન કરતા અને મસ્તી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ ગુજરાત પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
ASI હિતેશ પરમાર, GRD સહિત 7 લોકો સામે ગુનો
ડીવાયએસપી કક્ષાના અધિકારીને ગણતરીના કલાકોમાં આ મામલાની તપાસ કરી અને અહેવાલ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આ પાર્ટીમાં એસઆઈ હિતેશ પરમાર, જીઆરડી સહિત સાત પોલીસકર્મીઓ સામેલ હતા. પોલીસ તંત્ર દ્વારા આ સાત પોલીસકર્મીઓ સામે હાંસોટ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં સામેલ તમામ પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસકર્મીઓ માટે દારૂ પાર્ટીનું કર્યું હતું આયોજન
તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, આ પાર્ટીનું આયોજન અમેરિકાથી પરત ફરેલા એક મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિત્રે પોલીસકર્મીઓ માટે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઘટનાએ ગુજરાત પોલીસની છબીને ઘણી નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ ઘટનાએ એક વખત ફરી પોલીસ બળમાં શિસ્ત અને નૈતિક મૂલ્યોના પાલન પર સવાલ ઉઠાવ્યા છે.