Breaking News : વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા એક ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના વડોદરા શહેરને જોડતા સાવલી રોડ પર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. ચાલુ ડમ્પરમાં આગ લાગતા ધુમાડાના મોટા ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં ડમ્પરના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી જેથી વાહનવ્યવહારમાં કોઈ અડચણ ન પડે. આ આગની ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
CNG ભરાવતી વખતે કારમાંથી કેમ ઊતરવું પડે છે? વડોદરાનો આ વીડિયો જુઓ
