Vadodara Breaking: ₹47 કરોડના ખર્ચે બનશે શહેરનો પ્રથમ ‘મોડેલ રોડ’: વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી 8 લેન રસ્તો
અમદાવાદ અને સુરતની જેમ હવે વડોદરાને પણ પોતાનો પ્રથમ અત્યાધુનિક 'મોડેલ રોડ' મળવા જઈ રહ્યો છે. વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી બનનારા આ 8 લેન રોડમાં વાહનચાલકો માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે અને ક્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે?
અમદાવાદ અને સુરતની તર્જ પર હવે વડોદરા શહેરમાં પણ અત્યાધુનિક ‘મોડેલ રોડ’ બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે માર્ગ પર નડતરરૂપ તમામ ગેરકાયદે દબાણો સત્વરે દૂર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર સ્ટ્રેચને 8 લેન રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે. અમદાવાદના પ્રખ્યાત એરપોર્ટ રોડ જેવી અદ્યતન ડિઝાઇન ધરાવતા આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થાની સાથે સૌંદર્યીકરણનું ખાસ ધ્યાન રખાશે. રોડના ડિવાઇડર નજીક કેફેટેરિયા, પૂરતી પાર્કિંગ સુવિધા તેમજ બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.
આ સમગ્ર પ્રોજેક્ટ આશરે ₹47 કરોડના ખર્ચે સાકાર થશે. VUDA ના આયોજન મુજબ, ડિસેમ્બર 2027 સુધીમાં આ મોડેલ રોડનું નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ રોડ તૈયાર થતાં સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને વડોદરાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ મળશે.
