વડોદરા: ઉઘાડા પગે ફરી જનસેવા કરી જીત્યું પક્ષનું દિલ, ભાજપના ઉમેદવાર કોકિલા પવારનો અનોખો સંકલ્પ પૂર્ણ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોકિલા પવાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જનસેવા માટે ટિકિટ ન મળે ત્યાં સુધી તેમણે ચંપલ ન પહેરવાની લીધેલી આકરી બાધા ભાજપે તેમને વોર્ડ નંબર 17માંથી ટિકિટ આપતા જ પૂર્ણ થઈ છે.
રાજકારણમાં નેતાઓ અને કાર્યકરો ઘણીવાર પદ મેળવવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે, પરંતુ વડોદરાના વોર્ડ નંબર 17માં ભાજપના મહિલા ઉમેદવાર કોકિલા પવારની એક આકરી માનતાની કથા અત્યારે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોકિલા પવાર સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય છે. જનપ્રતિનિધિ બનીને લોકોના પ્રશ્નો વધુ સારી રીતે ઉકેલી શકાય તે હેતુથી તેમણે ટિકિટ મેળવવાની ઈચ્છા સાથે એક અનોખો સંકલ્પ કર્યો હતો. તેમણે માનતા માની હતી કે, “જ્યાં સુધી ભાજપ તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ નહીં આપે, ત્યાં સુધી તેઓ ચંપલ નહીં પહેરે.”
આ કઠોર માનતા વચ્ચે પણ તેમણે પોતાની હિંમત હારી નહોતી. ઉનાળો હોય કે ચોમાસું, તેઓ ઉઘાડા પગે જ પક્ષના કાર્યક્રમો અને સામાજિક કાર્યોમાં હાજરી આપતા હતા. આખરે તેમના અતૂટ વિશ્વાસ અને નિષ્ઠાને પક્ષે ઓળખીને મનપાની ચૂંટણીમાં તેમને ટિકિટ ફાળવી છે. ટિકિટ મળવાની સત્તાવાર જાહેરાત થતા જ તેમણે પોતાનો સંકલ્પ પૂર્ણ કરી ચંપલ ધારણ કર્યા હતા. હાલ તેઓ પોતાના વિસ્તારમાં પ્રચંડ આત્મવિશ્વાસ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને જનતાનો પણ તેમને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.