ડાંગના ઘરેણા સમાન ગીરા ધોધનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓ ધોધને નિહાળવા ઉમટ્યા
Dang: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને અદ્દભૂત કુદરતી સૌદર્યનો નજારો જોવા મળી રહ્યો છે. ગીરા ધોધના આહ્લાદક દૃશ્યો નિહાળવા પ્રવાસીઓ આકર્ષિત થયા છે અને ધોધને નિહાળવા ઉમટી પડ્યા છે.
ડાંગ (Dang) જિલ્લો તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. ડાંગના ઘરેણા સમાન વઘઈ નજીક આવેલો ગીરા (Gira Falls) ધોધ જિલ્લાની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ (Rain) થતા ગીરા ધોધનો અદ્દભૂત નજારો સામે આવ્યો છે. ધોધના આહ્લાદક અને નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા છે. ધોધને નિહાળવા માટે પ્રવાસીઓ આકર્ષિત થયા છે. હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરા ધોધનો અદ્દભૂત નજારો જોવા માટે ઉમટી રહ્યા છે.
આ તરફ મોરબીના વાંકાનેરમાં જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમ છલોછલ થયો છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારી છે. ડેમની કુલ સપાટી 135.33 મીટરમાંથી 135.06 મીટર પહોંચી ગઈ છે. વાંકાનેરના 20 અને મોરબીના 4 ગામોને એલર્ટ પર છે. વાંકાનેરના હોલમઢ, ઝાલસીકા, માહીકા અને કોઠી ગામને સાવચેત કરવામાં આવ્યા છે. મોરબીના આદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ રાખવામાં આવ્યા છે. મચ્છુ 1 ડેમમાં 5131 ક્યુસેક પાણીના આવક થઈ રહી છે.
આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા ગુહાઈ ડેમની જળસપાટી વધતા એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુહાઈ ડેમ ભયજનક સપાટીથી દોઢ ફુટ જ દૂર છે. નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી છે. જેમા ઈડર તાલુકાના 7 અને હિંમતનગર તાલુકાના 21 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. ગુહાઈ ડેમ 92 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ડેમ છેલ્લા વર્ષ 1996માં સંપૂર્ણ ભરાયો હતો.
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
