રાજ્યના ખેડૂતોને પાક નુકસાનમાં સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરાઈ છે. સુરતના ખેડૂતોને પણ લાભ મળતા જિલ્લાના ખેડૂતોને હાશ થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાન બાદ, સુરત જિલ્લાના ખેડૂતોને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં સહાયની ચૂકવણી શરૂ કરી દેવાતાં ખેડૂતોને મદદ મળી રહેશે.
સરકારે કુલ 5,589 ખેડૂતોના બેંક ખાતામાં ₹11 કરોડ 27 લાખની રકમ સીધી જમા કરી દીધી છે. ખેડૂત આગેવાનોએ સરકારની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે. 5 ડિસેમ્બર સુધીમાં કુલ 19,295 ખેડૂતોએ પાક નુકસાન સહાય માટે અરજી કરી હતી, જેમને પણ તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે. સૌથી વધુ સહાય ઓલપાડ તાલુકામાં 2,006 ખેડૂતોને ₹4.91 કરોડની ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત માંડવી, મહુવા અને ઉમરપાડા તાલુકા પણ સહાય મેળવનાર ટોચના ચાર તાલુકાઓમાં સામેલ છે. ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં 24,000થી વધુ ખેડૂતોને ₹51 કરોડથી વધુના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. બાકીના અરજદારોને પણ આવનારા દિવસોમાં સહાય મળશે.