કાળજાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરમાં ઉઠી પાણીની બુમરાણ, મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત
સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે પરંતુ પાલિકાના સત્તાધિશોને શહેરીજનોની આ સમસ્યાની કંઈ પડી નથી. હાલ સ્થિતિ એવી છે કે કાળજાળ ગરમી વચ્ચે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. લોકોને પૂરતુ પાણી નથી મળતુ અને જે મળે છે એ પણ ચોખ્ખુ પીવાલાયક નથી આવતુ જેના કારણે શહેરીજનો હવે આંદોલનના મૂડમાં છે.
ગુજરાતમાં કયાંય પણ ટેન્કર રાજ નથી, તેવા સરકાર દ્વારા દાવા તો બહુ કરાય છે પરંતુ સુરેન્દ્રનગરના આ દૃશ્યો કંઈક જૂદી જ હકીકત દર્શાવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં ફરી પાણીની બુમરાણ મચી છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકોની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી. લોકોને આશા હતી કે મહાનગરપાલિકા બનતા શહેરને રોજ પૂરતું પીવાનું પાણી મળી રહેશે. પરંતુ, આ આશા ઠગારી નીવડી છે.
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતા પાણી નહીં મળતા લોકો આંદોલનના મૂડમાં છે કારણ કે, ધોળીધજા ડેમમાંથી પાણી જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ અને બોટાદ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ, સુરેન્દ્રનગરના શહેરીજનોને કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે. લોકોની રાવ છે કે, સુરેન્દ્રનગર મનપા દર ચોથા કે પાંચમા દિવસે પાણી વિતરણ કરે છે અને એ પાણી અપૂરતું, ગંદુ અને દુર્ગંધવાળું હોય છે. જેથી લોકો વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા છે. આ બાબતે મનપામાં લોકોએ રજૂઆત કરી પરંતુ, અધિકારીઓ સાંભળતા નથી. તેવા લોકોના આક્ષેપ છે.
આપને જણાવી દઇએ, સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર સ્થિત સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે. જેમાં રામદેવનગર, પુષ્પગંજ, નવરંગ, વઢવાણ કોટ, મસ્જિદ શેરી, દેપાળાવડ અને માધાખ વાસ સહિતના વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું. જેને લઇ સ્થાનિકોએ મનપા કચેરીમાં હોબાળો કર્યો પરંતુ, અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ કર્યા. લોકોની માગ છે કે પૂરતું અને ચોખ્ખું પાણી આપવામાં આવે. નહીંતર ઉગ્ર આંદોલન કરીશું. તો, બીજી તરફ મનપાના ઇજનેરે લૂલો બચાવ કરતા કહ્યું કે, આખલા યુદ્ધમાં પોલ પડી જતા વિતરણ ખોરવાયું છે. જે આગામી સમયમાં રેગ્યુલર થઇ જશે.