Surat: અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજી બાવળીયાને સસ્પેન્ડ કરી દેવાયા, જાણો શું છે કારણ
કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટાપાયે ડખા સામે આવી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોળી સમાજમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોળી સમાજ (Koli Samaj) ના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટાપાયે ડખા સામે આવી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજી બાવળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.મહત્વનું છે કે આજે અખિલ ભારતીય કોળી સમાજની કાર્યકારણીની બેઠક મળી હતી.જેમાં કોળી સમાજને બદનામ કરવાના આરોપસર બાવળીયા સસ્પેન્ડ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કોળી સમાજ પ્રમુખ અજીત પટેલે કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya) ને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે અજીત પટેલ અને કુંવરજી બાવળિયાનું જુથ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદને લઈ સામ સામે હતું. જેમાં અનેક આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા છે.
આજે સુરતના કામરેજમાં દેશભરના કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજના કાર્યક્રમમાં પણ બાવળિયા હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કરાયો હતો અને કોળી સમાજ વિરુદ્ધ જઈ કામગીરી કરતા હોવાનો આરોપ પણ કુંવરજી બાવળિયા પર લગાવયો હતો અને અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજી બાવળીયાને સસ્પેન્ડ કરી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાએ અત્યંત વ્યસ્તતાને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપતા અજીત પટેલે આક્ષેપ કરતા કહ્યું હતુ કે બાવળિયાને કારણે કોળી સમાજને નુકસાન થયું છે. બાવળિયાના પ્રધાન પદે રહેવાથી કોળી સમાજને જોઈએ તેવો ફાયદો નથી થયો. અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો.