Surat: કુમાર કાનાણીએ વરાછાથી ઉદ્યોગપતિને ટિકિટ આપવાનો વિરોધ કર્યો તો દિનેશ નાવડિયાએ કહ્યુ- હાઈકમાન લેશે નિર્ણય
Surat: સુરતમાં વરાછા બેઠક પર ટિકિટને લઈને ખેંચતાણ સામે આવી છે. વરાછા બેઠક પરથી હાલના ધારાસભ્ય કુમાર કાનાણાએ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ ટિકિટ આપવાનો વિરોધ કર્યો તો દિનેશ નાવડિયાએ કહ્યુ હાઈકમાન્ડ નિર્ણય લેશે.
સુરત (Surat) 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઈને ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી છે. આ દરમિયાન વરાછા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય રહેલા અને પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ દિનેશ નાવડિયાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. કુમાર કાનાણીના વિરોધ પર ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા (Dinesh Navadia)એ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે હું ઉદ્યોગપતિની સાથોસાથ ભાજપનો કાર્યકર પણ છુ. હિરા ઉદ્યોગ માટે વર્ષોથી ઘણુ કામ કર્યુ છે.
દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે કુમાર કાનાણીએ જે રજૂઆત કરી તે એમના વિચારો છે. નાવડિયાએ ઉમેર્યુ કે હું 1984થી વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલ છુ. વરાછા બેઠકને લઈને તેમણે જણાવ્યુ કે અહીંથી ભાજપનો જે ઉમેદવાર ઉભો રહેશે તે જીતશે. આ બેઠક પર ડરવા જેવુ કશું નથી. તેમણે વધુમાં કહ્યુ કે ડાયમંડ ઈન્ડસ્ટ્રીના લોકોએ અગ્રણીઓએ તેમના માટે ટિકિટની માગ કરી છે અને તેના પર ભાજપનું મોવડી મંડળ વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં વરાછા વિધાનસભા માટે 15 દાવેદારો નોંધાયા છે જ્યારે ઉધના વિધાનસભા બેઠર માટે 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમા વરાછા વિધાનસભા બેઠક પર બે દિગ્ગજ ઉમેદવારો દાવેદારી કરી રહ્યા છે. જેમા છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય રહેલા કુમાર કાનાણી પણ વરાછા પરથી દાવેદારી કરી રહ્યા છે અને તેઓ ખુલ્લેઆમ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાનો વિરોધ કરતા પણ જોવા મળ્યા.
ઈનપુટ ક્રેડિટ- પારૂલ મહાડિક- સુરત