માંડવી અને આસપાસના ગામો માટે જીવાદોરી સમાન ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે માંડવીનો ગોળધા ડેમ છલકાઈ ગયો છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. આસપાસના ગામો માટે આ ડેમ જીવાદોરી સમાન છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ડેમો છલકાઈ ગયા છે. માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલોછલ થતા ખેડૂતોને મોટી રાહત થઈ છે. આસપાસના વિસ્તારોમાં ગોળધા ડેમ સિંચાઈનું પામી પુરુ પાડે છે. ડેમમાંથી હાલ 16 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. 20 જેટલા નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ આમલી ડેમ અને ગોળધા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. ધારાસભ્ય કુંવરજી હળપતિએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરી.
આ તરફ નેશનલ હાઈવે 56 (સુરત, તાપી, શામળાજી) પર વિસડાલિયા નજીક પાણી ભરાયા છે, જેના પગલે સલામતી માટે હાઈવે બંધ કરાયો છે. માંડવીના ગોળધા અને આંબલી ડેમ છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. માંડવીના વિસડાલીયા નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે વિસડાલિયા નજીક હાઈવે બંધ કરાયો છે. હાઈવે બંધ થતા મોટા પ્રમાણમાં વાહનચાલકો અટવાયા છે. ભારે વરસાદની સ્થિતિને જોતા અનેક વિસ્તારોમાંથી સાવચેતી અને તકેદારીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અમરોલીના ન્યુ કાસાનગર કોસાડ આવાસમાં લોકોનું સ્થળાંતર કરાયુ છે. કોર્પોરેટર અને SMC ની ટીમ પણ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સમજાવી રહી છે.
