હર્ષ સંઘવીના સુરતમાં બહેન-દીકરીઓ સુરક્ષિત… જિમના ઓઠે બ્લેકમેલિંગનો ખતરનાક ખેલ ઉઘાડો પડ્યો, પોલીસે વિધર્મીને પાંજરે પૂર્યો
હર્ષ સંઘવીના હોમ ટાઉન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના ગઢ ગણાતા સુરત શહેરને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. અહીં ‘જિમ જેહાદ’ના નામે એક વિધર્મીએ સુરતના અત્યંત પ્રતિષ્ઠિત અને અંદાજે 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારની મહિલાને પોતાની જાળમાં ફસાવી સમગ્ર પરિવારને બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
સુરતમાં ‘જિમ જેહાદ’ની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરની SOG પોલીસે એક વિધર્મી જિમ ટ્રેનર શબ્બીર અસગર ટ્રંકવાળાની ધરપકડ કરી છે, જેણે ‘પૂજા એલ વન’ નામે જિમ ચલાવી એક આધેડ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મહિલા 100 કરોડથી વધુની મિલકત ધરાવતા પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. આરોપી જિમ ટ્રેનરે મહિલાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પતિને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને બદનામ ન કરવાના બદલામાં 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
આરોપી એટલો નિર્ભય બની ગયો હતો કે, તે વારંવાર મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મહિલાના પતિએ પોતાની પત્નીનો પીછો છોડવા માટે આરોપીને ઘણી આજીજી કરી હતી અને ડરના માર્યા અત્યાર સુધીમાં 50 હજાર રૂપિયા ચૂકવ્યા પણ હતા. જો કે, ટ્રેનરનો ત્રાસ સતત વધતા આખરે કંટાળીને પતિએ સુરત SOGમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શબ્બીરની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.
આ સાથે જ SOGએ જિમ ટ્રેનરોને પણ ચેતવણી આપી છે કે, તમારા જિમમાં આવતા લોકો સાથે વધુ પડતા નજીકના સંબંધ બનાવવાની જરૂર નથી. જો કોઈ ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.