Surat: રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યા દેખાવો, જવાબદારો સામે ફરિયાદ ન નોંધાતા આક્રોશ
સુરતમાં સિનિયરોના રેગિંગથી કંટાળી રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે. આપઘાતના ત્રણ દિવસ પછી પણ જવાબદાર સિનિયર ડૉક્ટરો સામે FIR ન થતાં ABVP દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ABVP એ જવાબદારો સામે કડક કાર્યવાહી અને તબીબી સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની માંગ સાથે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સિનિયરના ત્રાસથી રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત પાછળનું કારણ સિનિયર દ્વારા રેગિંગ કરી ત્રાસ આપતા હોવાનું સામે આવ્યુ છે, ત્યારે પરિવારજનોએ તમામ ચારેય સિનિયર ડૉક્ટર સામે ફરિયાદ નોંધવાની માગ કરી રહ્યા છે અને હજુ સુધી ફરિયાદ નોંધવામાં ન આવતા વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા નવી સિવિલ હોસ્પિટલે દેખાવો કરવામાં આવ્યા હતા.
રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ સિનિયર ડૉક્ટર દ્વારા કરવામાં આવતા અસહ્ય રેગિંગની ત્રાસી જઈને આપઘાત કરી લીધો છે. આ મામલે આપઘાતના ત્રણ દિવસ બાદ પણ જવાબદાર ચારેય ડૉક્ટરને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેની સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. જેને લઈને હવે વાલીઓ, પરિવારજનો અને વિદ્યાર્થી સંગઠનોમાં રોષ ફેલાયો છે. આજરોજ ABVP દ્વારા પણ રેગિંગની ઘટના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને મેડિકલ કોલેજે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ABVP દ્વારા જવાબદાર રેસિડેન્ટ ડૉક્ટર, પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે અને જવાબદારો તબીબી સર્ટિફિકેટ પણ સસ્પેન્ડ કરવાની ઉગ્ર માગ કરવામાં આવી છે. આ તમામ માગ સાથે ABVP એ ડીનની ઓફિસમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો અને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. જો જવાબદાર ચારેય ડૉક્ટર ડૉ. દીક્ષિતા ઘેવરીયા, ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી અને ડૉ. હિના ભુત ફરિયાદ નહીં નોંધાય તો ત્રીજા દિવસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Input Credit- Baldev Suthar- Surat
