અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ, શક્તિપીઠ અંબાજીની યશકલગીમાં થયો વધારો- Video

|

May 14, 2024 | 6:57 PM

બનાસકાંઠામાં આવેલ અંબાજી ધામ શક્તિપીઠ માટે તો પ્રસિદ્ધ છે જ પણ સાથે જ અહીં મળતો વિશેષ પ્રકારનો "આરસપહાણ" પત્થર એટલે કે માર્બલ પણ એક આગવી જ ઓળખ ધરાવે છે. હવે આ ઓળખમાં વધુ એક યશકલગી ઉમેરાતા તેને "GI ટેગ" પ્રાપ્ત થયો છે. એટલે કે "જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશન"માં અંબાજીના માર્બલને સ્થાન મળ્યું છે.

અંબાજીનો માર્બલ ઉદ્યોગ આમ તો સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે પરંતુ હવે તેને GI ટેગ દ્વારા એક નવી જ ઓળખ પ્રાપ્ત થઈ છે. અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. “GI ટેગ” એ ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે છે. ત્યારે વર્ષોની મહેનત બાદ આ ટેગ મેળવવામાં સફળતા મળતા માર્બલના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

આપને જણાવી દઈએ કે શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી નિર્માણ પામ્યું છે. તો દેશથી લઈ વિદેશ સુધી અનેક કલાત્મક મંદિરોનું નિર્માણ અંબાજીના આરસપહાણથી જ પરિપૂર્ણ થયું છે. હાલ દિલ્લીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.

ગુજરાતમાં માર્બલની ખાણો એકમાત્ર અંબાજીમાં જ છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે છે. અને સાથે જ તે મજબૂત પણ છે. આ આરસપહાણમાં સિલિકોન ઓક્સાઈડ અને કેલ્શ્યિમ ઓક્સાઈડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1 હજારથી 1200 વર્ષ પ્રાચીન માર્બલની ખાણો આવેલી છે.  અંબાજીના માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે.

આ પણ વાંચો: અમદાવાદની કેટલીક શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ શિક્ષણવિભાગ થયુ સતર્ક, શાળા પરિસરમાં સુરક્ષાકર્મીને રખાશે તૈનાત- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video