અમદાવાદની ઓળખ સમા એલિસ બ્રિજના પુનઃસ્થાપન માટે થશે 32.40 કરોડ રુપિયાનો ખર્ચ, ગુજરાત સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી
એલિસ બ્રિજ એ અમદાવાદ ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે જે 1892 માં બાંધવામાં આવ્યો હતો
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની શાન એલિસ બ્રિજને માનવામાં આવે છે. હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની CM ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
બ્રિજનું મજબૂતીકરણ અને સમારકામ હાથ ધરાશે
ઐતિહાસિક એલિસ બ્રિજનું મજબૂતીકરણ અને સમારકામ હાથ ધરાશે. જેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે.
એલિસ બ્રિજ એ અમદાવાદ ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે જે 1892 માં બાંધવામાં આવ્યો હતો અને પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા.
કમિશનરના નામથી પડ્યું એલિસ બ્રિજનું નામ
પુલ તૂટવાની ઘટના બાદ ફરી ઈ.સ 1892માં બ્રિટિશ સરકાર દ્વારા “સ્ટીલ”ના પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના એંજિનિયર હતા હિંમતલાલ ધીરજરામ ભચેચ. આ સમયે ઉત્તર ઝોનના કમિશનર “બેરો હેલ્બર્ટ એલિસ” હતા. તેમના નામ પરથી આ પુલનું નામ “એલિસ બ્રિજ” રાખવામાં આવ્યું હતું.
બનાવવામાં 5 લાખ રુપિયા કરતાં પણ ઓછો હતો ખર્ચ
પુલ બનાવવા માટે સ્ટીલ વિદેશથી એટલે કે “બર્મિંગહામ” થી આયાત કરાયું હતું. આ સ્ટીલનો પુલ ત્યારના સમયે અંદાજે 4,07,000ના ખર્ચે તૈયાર થયો હતો. જે રૂપિયા 5,00,000 બજેટ કરતા પણ ઓછો હતો. જોકે ઓછા બજેટના કારણે સરકારને પુલની કામગીરી પર શંકા ગઇ ત્યારે સરકારને લાગ્યું કે પુલ બનાવવાની સામગ્રી હલકી ગુણવત્તાની હોઈ શકે માટે સરકાર દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવી અને પુલની ગુણવત્તાની તપાસ કરતા પુલ બનાવવામાં શ્રેષ્ઠ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. સરકારી નાણાંની બચત કરવા બદલ હિંમતલાલને “રાવ સાહેબ” બિરુદ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.