ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા પંથકમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. દેવળીયાથી ગાંગડી, ચાસલાણા હર્ષદ ગાંધવી ગામને જોડતો મુખ્ય માર્ગ ધોવાયા છે. દેવળીયા પાસે આવેલો પુલ વરસાદી પાણીના પુરમાં ધોવાયો હોવાનું સામે આવ્યુ છે.
પુલ અવરજવર માટે બંધ હોવાથી લોકોને ભારે હાલાકી થઈ છે. દેવળીયાથી યાત્રાધામ તરફ જોડતા માર્ગ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ પુલ અને રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.
બીજી તરફ રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. માર્ગ પર ખાડા’રાજને લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ, અકસ્માતથી સ્થાનિકો પરેશાન છે.