Rajkot: મંડલીકપુરમાં છેલ્લા 8 દિવસથી પાણીની બૂમરાળ, મહિલાઓએ રેલી કાઢીને વ્યક્ત કર્યો વિરોધ, જુઑ Video

|

May 15, 2023 | 9:35 PM

રાજકોટમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની છે. જેને લઈ મંડલીકપુર ગામમાં મહિલાઓનું હલ્લાબોલ સામે આવ્યું છે. રેલી કાઢીને મહિલાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 8 દિવસથી પાણી નહીં આવતું હોવાની વાત કરી હતી.

એક તરફ તંત્ર પુરતુ પાણી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જેતપુરના મંડલીકપુર ગામે પાણી માટે મહિલાઓ રણચંડી બની છે. છેલ્લા આઠ દિવસથી પાણી ન મળતાં મહિલાઓએ રેલી કાઢીને હોબાળો મચાવ્યો હતો. ભરઉનાળે વાલ્વમેન રજા ઉપર ઉતરી જતાં છેલ્લા આઠ દિવસથી ગામમાં પાણીની મુશ્કેલી સર્જાઈ છે. ગામના સરપંચ, ઉપસરપંચને સસ્પેન્ડ કરાયેલા છે, તલાટીના ઠેકાણા નથી અને તેવા સમયે જ વાલ્વમેન રજા ઉપર ઉતરી ગયો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં મહિલાઓને પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. ગામના આંતરિક રાજકારણના કારણે છતે પાણી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : ઓમકારેશ્વરમાં હોડી પલટી, ભાવનગરના એક બાળકનું મોત, એક વ્યક્તિ લાપતા

ગામના લોકોએ પાણી માટે ગ્રામપંચાયતમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતાં મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે. મહિલાઓએ પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે તો બીજીતરફ મહિલાઓનો આક્રોશ જોઈને સસ્પેન્ડ થયેલા મહિલા સરપંચે પણ કામે લાગવું પડ્યું. મહિલાઓએ વિરોધ કરતાં સસ્પેન્ડ કરાયેલા મહિલા સરપંચ ત્યાં દોડી ગયા હતા અને જાતે જ વાલ્વ ખોલીને ગામના દરેક વિસ્તારમાં પાણી પૂરું પાડ્યું હતું.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:34 pm, Mon, 15 May 23

Next Video