Rajkot : જૂનાગઢની યુવતીની હત્યાનો કેસ, આરોપી સૂરજ ભૂવા સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માગ
રાજકોટમાં હવે જૂનાગઢની યુવતીની હત્યા કેસને લઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરાઇ છે. કોળી સમાજ અને અન્ય સમાજોમાં પણ રોષ ભભૂક્યો છે. રાજકોટમાં કોળી સમાજ સહિત અન્ય સમાજે રેલી કાઢી વિરોધ કર્યો છે.
Rajkot: જૂનાગઢમાં સૂરજ ભૂવાએ કરેલી યુવતીની હત્યાના કેસમાં હવે કોળી સમાજમાં રોષ વધી રહ્યો છે. કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ હવે આરોપી સૂરજ ભૂવાને ફાંસીની સજા આપવા માગ કરી રહ્યા છે. રાજકોટમાં કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પોસ્ટર સાથે રેલી કાઢી હતી અને આરોપી સૂરજ ભૂવાને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. સમાજના આગેવાનોએ એવી પણ માગ કરી છે કે, CID કે CBI આ કેસની તપાસ કરે. અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવો જોઇએ.
જેથી કરીને આરોપીને વહેલામાં વહેલી તકે સજા થાય અને એક દીકરીને ન્યાય મળે. એટલું જ નહિં સમાજના આગેવાનોનું એવું પણ કહેવું છે કે, સૂરજ ભૂવાએ તો આ ગુનો સ્વીકાર્યો છે. પરંતુ ઘણા ગૂના આચર્યા હશે કે જે ઉકેલાયા જ નહીં હોય. તેથી આ આરોપીને માત્રને માત્ર ફાંસીની જ સજા થવી જોઇએ.
19 જૂન 2022ના રોજ ધારાની હત્યા કરવામાં આવી. અને હત્યાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર સૂરજ ભૂવા હતો. સૂરજે કોઇ પણ ભોગે ધારાને પતાવી દેવાનું નક્કી કર્યું અને તે માટે કોઇ ફિલ્મ કે વેબસિરિઝના પ્લોટને પણ ટક્કર મારે તેવું કાવતરું રચ્યું. પ્લાન મુજબ ધારા, સૂરજ અને મિત ત્રણેય એકસાથે કારમાં જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળ્યા. પરંતુ સૂરજ પૈસા લેવાનું બહાનું કાઢી ધારાને ચોટીલા પાસેના તેમના ગામ લઇ ગયો.
અહીં સૂરજના ભાઇ યુવરાજ, મુકેશ તેમજ ગુંજન જોશીએ તેને ધમકાવી સૂરજ સામેના કેસ પરત ખેંચી લેવા તકરાર કરી. આ દરમિયાન કારમાં સવાર મિત શાહે ગળુ દબાવી ધારાની હત્યા કરી નાંખી અને બાદમાં યુવરાજની વાડીમાં ધારાના મૃતદેહને સળગાવી દીધો. ધારાની હત્યાનો શક ન થાય તે માટે સૂરજ સહિતના આરોપીઓએ ધારા જીવિત હોવાને અને તે ફરાર થઇ હોય તેવો ઘટનાક્રમ રચ્યો હતો, પરંતુ તમામની કોલ ડિટેલે હત્યાનો ભેદ ખોલી નાંખ્યો.
આ પણ વાંચો : ગેરકાયદે બાંધકામ મુદ્દે રાજકોટના બાલાજી મંદિર ટ્રસ્ટને ઝટકો, હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ રખાશે સ્થગિત
સૂરજ માતાજીનો ભૂવો હોવાનો દાવો કરે છે. તેના સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. પરંતુ સૂરજ ભૂવાની વૈભવી લાઇફસ્ટાઇલ ભલભલાને ઇર્ષ્યા કરાવે તેવી છે. કોઇ ઉદ્યોગપતિ પરિવારના નબીરા પણ ઝાંખા પડે તેવા સૂરજ ભૂવાના ઠાઠમાઠ છે. સોશિયલ મીડિયા પર વૈભવી કાર અને આલિશાન હોટલ સાથે સૂરજની અનેક તસવીરો છે. સૂરજ મોંઘીદાટ ગાડીઓનો પણ શોખીન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો