પીએમ મોદી એક દિવસ માટે, 31મી માર્ચે આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ, ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી, તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા, અમદાવાદના સાણંદ અને બનાસરકાંઠાના ડીસા ખાતે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ, ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી, તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા, અમદાવાદના સાણંદ અને બનાસરકાંઠાના ડીસા ખાતે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
આગામી 31મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે આવેલ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. આ સંગ્રહાલય જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વર મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે. મુનિએ પોતાના જીવનકાળમાં અઢી લાખ કિલોમીટર પદયાત્રા કરીને એક અનોખો ઈતિહાસ રચ્યો છે. અહીં તેમની હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રો અને જૈન કળાનો દુર્લભ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હજારો જૈન ભક્તોને સંબોધિત કરશે.
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કેયન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. પીએમ મોદી સાણંદમાં જે કેયન્સ (Kaynes) સેમિકોન ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે તે, સપ્ટેમ્બર 2024માં ₹3,300 કરોડના રોકાણ સાથે મંજૂર કરાયેલ. આ પ્લાન્ટ ઓટોમોટિવ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે દરરોજ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે.
વડાપ્રધાનની એક દિવસીય ગુજરાત મુલાકાતનો ત્રીજો કાર્યક્રમ, બનાસકાંઠાના ડીસા ખાતે છે. જ્યા તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી, ડીસાના નાણી ગામમાં એક વિશાળ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના વિકાસ માટે ₹25,000 કરોડથી વધુની માળખાગત સુવિધા પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.