Breaking News : પીએમ મોદીએ સોમનાથ પર લખ્યો લેખ, “આ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી સંસ્કૃતિનું પ્રતિક”! જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2026 | 9:28 AM

પુનર્નિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ પ્રથમ જ્યોર્તિલિગ સોમનાથ આવી રહ્યાં છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની ઐતિહાસિક ઘટનાને વડાપ્રધાન મોદીએ શબ્દોરુપી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર અંગે લખેલા વિશેષ લેખમાં સોમનાથ મંદિરની મહત્વતા અંગે ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 11મી મેના રોજ પ્રથમ જ્યોર્તિલિગ ગણાતા સોમનાથ ખાતે આવશે. પુનઃ નિર્માણ પામેલ સોમનાથ મંદિરના લોકાપર્ણને 75 વર્ષ પૂરા થતા હોવાથી, વડાપ્રધાન મોદી, સોમનાથ ખાતે દર્શન કરશે. સોમનાથ મંદિરના પુન: નિર્માણ બાદ 11 મેના 1951ના રોજ તેનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી આ દિવસે સોમનાથના દર્શને આવશે. અને વિશેષ પૂજા અર્ચના કરશે.

આ સંબધિત PM મોદીએ એક લેખ લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2026ની શરૂઆતમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો. સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ બાદ પણ મંદિર શાશ્વત અને અવિનાશી છે અને હવે મંદિરના પુન: નિર્માણ બાદ લોકાર્પણની 75મી વર્ષગાંઠે ઉપસ્થિત રહેવાનું તેમને સૌભાગ્ય મળશે.

સોમનાથની પરિક્રમા આખી પૃથ્વીની પરિક્રમા

પ્રાચીન શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, “પ્રભાસં ચ પરિક્રમ્ય પૃથિવીક્રમસંભવમ્”, એટલે કે દિવ્ય પ્રભાસ (સોમનાથ)ની પરિક્રમા સમગ્ર પૃથ્વીની પરિક્રમા સમાન માનવામાં આવે છે. વડાપ્રધાન મુજબ, જ્યારે ભક્તો સોમનાથમાં દર્શન માટે આવે છે ત્યારે તેઓ માત્ર એક મંદિર નહીં પરંતુ હજારો વર્ષ જૂની અવિરત સંસ્કૃતિની શક્તિ અને પરંપરાનો અનુભવ પણ કરે છે. અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા. ઇતિહાસમાં અનેક પરિવર્તનો આવ્યા છતાં સોમનાથ ભારતના હૃદયમાં અડગ રહ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ

1940ના દાયકામાં જ્યારે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની ભાવના ઉછળી રહી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓના માર્ગદર્શન હેઠળ નવા ભારતના નિર્માણની પાયાની રચના થઈ રહી હતી, ત્યારે એક બાબત તેમને સતત વ્યથિત કરતી હતી તે એટલે કે સોમનાથ મંદિરની દયનીય સ્થિતિ. 13 નવેમ્બર 1947ના રોજ, દિવાળીના પવિત્ર અવસરે સરદાર પટેલ જર્જરિત સોમનાથ મંદિરના અવશેષો પાસે સમુદ્રનું જળ હાથમાં લઈને ઊભા રહ્યા હતા. તે સમયે તેમણે સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું હતું: “ગુજરાતી નવા વર્ષના આ શુભ દિવસે અમે નક્કી કર્યું છે કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થવું જોઈએ. સૌરાષ્ટ્રના લોકો એ માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે. આ એક પવિત્ર કાર્ય છે. જેમાં દરેક વ્યક્તિએ જોડાવું જોઈએ.” સરદાર પટેલના આ આહ્વાનને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. સોમનાથનું પુનર્નિર્માણ માત્ર મંદિરનું નિર્માણ નહોતું, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના, આસ્થા અને સ્વાભિમાનના પુનર્જાગરણનું પ્રતિક બની ગયું હતું.

આ પણ વાંચો, દૂધના પેકેટ પરના રંગો પાછળનું મોટું રહસ્ય: બ્લુ, ગ્રીન કે ઓરેન્જ, કઈ થેલીમાં શું છુપાયેલું છે?

Follow Us
Loading...
Unable to load recommendations.