Breaking News: આવું કેવું ! સરકાર કહે છે ‘ફુલ સ્ટોક’, તો પંપો પર કેમ છે ‘શોર્ટ સપ્લાય’ ? દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનનો મોટો ઘટસ્ફોટ
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને હવે આરપારની જંગ શરૂ થઈ છે. એકતરફ સરકાર ઈંધણનો પૂરતો જથ્થો હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજીતરફ પેટ્રોલ પંપ માલિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે ઓઈલ કંપનીઓ તેમને પૂરતો સ્ટોક આપી રહી નથી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપો પર જોવા મળતી લાંબી કતારો પાછળનું અસલી કારણ હવે સપાટી પર આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને સીધો આક્ષેપ કર્યો છે કે સરકાર ભલે મીડિયામાં બધું બરાબર હોવાનું કહેતી હોય, પણ વાસ્તવિકતામાં પંપો સુધી ઈંધણ પહોંચતું જ નથી.
3 ટેન્કરની સામે માત્ર 1 જ ટેન્કર’ – એસોસિએશન પ્રમુખ
દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “પહેલા જે પંપ પર રોજની ત્રણ ટ્રક (ટેન્કર) આવતી હતી, ત્યાં હવે ઓઈલ કંપનીઓ માંડ એક ટેન્કર મોકલી રહી છે.” માગણી સામે ખૂબ જ ઓછો સ્ટોક મળવાને કારણે અનેક પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લગાવવાની નોબત આવી છે.
કંપનીઓ પાસે સ્ટોક હોવા છતાં કેમ નથી અપાતો?
એસોસિએશનનો દાવો છે કે ઓઈલ કંપનીઓ પાસે પેટ્રોલ-ડીઝલનો ફુલ સ્ટોક હોવા છતાં તેઓ પૂરતો જથ્થો રિલીઝ કરી રહ્યા નથી. આ સ્થિતિ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ માલિકો આ જ પ્રકારની ‘શોર્ટ સપ્લાય’ નો સામનો કરી રહ્યા છે. સરકારના દાવા અને કંપનીઓની આડોડાઈ વચ્ચે સામાન્ય જનતા રસ્તા પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બની છે.
જો ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાય ચેઈન તાત્કાલિક સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ શકે છે. વેપારીઓએ હવે સરકાર પાસે મધ્યસ્થી કરી યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
(ઈનપુટ ક્રેડિટ: મેહુલ ભોકળવા)