Breaking News : પાલનપુરમાં ફૂડ વિભાગના દરોડા, દિવાળી પહેલા નમકીન યુનિટમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ મળી
પાલનપુરમાં દિવાળી પહેલા ફૂડ વિભાગે સુપર નમકીન યુનિટ પર દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ સ્થિતિ, રજિસ્ટ્રેશન વિના ઉત્પાદન અને બળેલું તેલ ઝડપી પાડ્યું છે.
બનાસકાંઠાના પાલનપુરમાં દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે વડગામના શેરપુરા હાઈવે પર આવેલી સુપર નમકીન નામની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જે તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ફૂડ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે આ નમકીન યુનિટમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં નમકીનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત, પેઢી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગમાં જરૂરી રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ નમકીનનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું પણ બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન નમકીન બનાવવા માટે વપરાતું બળેલું અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું તેલ પણ મળી આવ્યું હતું.
ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 115 કિલો અખાદ્ય નમકીનનો જથ્થો અને 70 કિલો બળેલા તેલનો નાશ કર્યો હતો. વધુમાં, નમકીનના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા આવી કાર્યવાહી અત્યંત જરૂરી છે.
અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ ₹510 કરોડની સંપત્તિ કરી જપ્ત, કુલ આંકડો ₹23,100 કરોડને પાર

