Chhota Udepur : ઓરસંગ નદીનો કિનારો ધોવાઈ જતા તેલાઈ માતાના મંદિરને મોટું નુકસાન, જુઓ Video
એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. તો બીજી તરફ ગેરકાયદે રેત ખનનને લીધે નદીકાંઠાના વિસ્તારોમાં આવેલ ઐતિહાસિક ધરોહરો પર સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામમાંથી ચિંતાજનક ઘટના સામે આવી રહ્યા છે.
એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. તો બીજી તરફ ગેરકાયદે રેત ખનનને લીધે નદીકાંઠાના વિસ્તારોમાં આવેલ ઐતિહાસિક ધરોહરો પર સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામમાંથી ચિંતાજનક ઘટના સામે આવી રહ્યા છે. સતત વરસાદ અને ગેરકાયદે રેત ખનને લીધે અહીં નદીના પટ ધોવાઈ ચુક્યા છે. કાંઠે આવેલા અનેક મંદિરોને મોટું નુકસાન પહોંચ્યું છે.
બારાવાડમાં તેલાઈ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેલાઈ માતાને લોકો મહાકાળીના મોટા બહેન માને છે. આદિવાસી સમાજના લોકો તેમના પર વિશેષ આસ્થા ધરાવે છે. પરંતુ, ઓરસંગ નદીનો કિનારો ધોવાઈ જતા મંદિરની બે ડેરીઓ તૂટી ગઈ. અને મૂર્તિઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. જો કે ગ્રામજનોએ મૂર્તિઓ બહાર કાઢીને એક પતરાનો શેડ બનાવી તેની નીચે હાલ સ્થાપના કરી છે. પરંતુ, આ ઘટનાથી સ્થાનિકોની લાગણી દુભાઈ છે. સ્થાનિકોની માંગ છે કે હવે સત્વરે કોઈ પગલાં લેવામાં આવે.
તેલાઈ માતાના દર્શને માત્ર ગુજરાતમાંથી જ નહીં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ લોકો આવતા હોય છે. અહીંના મંદિરો વર્ષ 1905માં એટલે કે લગભગ એક સદી પહેલાં બન્યા હતા. ત્યારે તેને નુકસાન પહોંચતા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા પર કાર્યવાહીની અને નદી કિનારે પ્રોટેક્શન દીવાલની માંગ ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના કિનારે જ સ્મશાન આવેલું છે. પરંતુ, આ સ્મશાન ભૂમિ સુધી પહોંચવામાં તેમજ તેલાઈ માતાના મંદિરે પહોંચવામાં પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેલાઈ માતાના મંદિરે ફાગણ મહિનામાં ભાતીગળ લોકમેળો ભરાય છે. નવરાત્રીના નવ દિવસ ગરબા રમાય છે. કેટલાંક લોકો પરંપરાગત સ્વજનોની અસ્થિના વિસર્જન માટે પણ અહીં જ આવતા હોય છે. ત્યારે હાલ રસ્તો જ ન હોઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
