મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી છે. અજવાળું હોય ત્યાં સુધી CM કાર્યાલયમાં લાઈટ શરૂ નહીં કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. CM કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ-બંધ કરવા નિર્ણય લેવાયો છે. અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના આપવામાં આવી છે. એન્ટી રૂમના વીજ ઉપકરણો જાતે ચાલુ-બંધ કરવા પડશે. મુખ્યમંત્રીએ આ સૂચનાનું પાલન કરવા સાથી પ્રધાનોને પણ જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા કોઇપણ વાતમાં સલાહ આપ્યા કરતા પોતે તેનુ અનુકરણ કરતા હોય છે. ગાંધીનગરમાં આવેલા સચિવાલયમાં તેઓ સવારે સાડા નવ અથવા પોણા દસ વાગ્યાની આસપાસ પહોંચી જતા હોય છે. તેના કારણે અન્ય મંત્રીઓ પણ પોતાના મંત્રાલયમાં સમયસર આવી જાય છે. જ્યારે વીજળી બચાવવાની વાત થતી હોય છે અને રેવન્યૂ ખર્ચ ઘટાડવાની વાત થતી હોય છે, ત્યારે મુખ્યમંત્રીએ પોતે સ્વપહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યાલયમાં સૂચના આપી છે કે જ્યાં સુધી અજવાળુ હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કારણ વગરની કોઇપણ લાઇટ ચાલુ રાખવી નહીં.
આ સાથે જ મુખ્યમંત્રીની ઓફિસ હોય કે કાર્યાલય હોય તમામ સ્થળ પર લાઇટ ચાલુ બંધ કરવા માટે ચોક્કસ નિયમો પણ મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના મંત્રીઓને પણ સૂચના આપી છે કે બિનજરુરી રીતે વીજળીનો ઉપયોગ ન કરવો જોઇએ. વીજળી બચાવવી જોઇએ. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલયથી વીજળી બચાવવાની પહેલ શરુ કરી છે.