NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી સુરક્ષા: પેપર લીક રોકવા એજન્સીઓની સંયુક્ત મોકડ્રીલ, શંકાસ્પદો પર ચાંપતી નજર
પેપર લીક કાંડ બાદ 21મી જૂને યોજાનારી NEET ની પુનઃ પરીક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ પર છે. વડોદરાના 17 કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
દેશભરમાં 3જી મેના રોજ યોજાયેલી NEET ની પરીક્ષા પેપર લીક થવાના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રદ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ હવે 21મી જૂને યોજાનારી પુનઃ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે.
પેપર લીકનું પુનરાવર્તન ન થાય તે માટે NTA સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સંયુક્ત મોકડ્રીલ યોજવામાં આવી હતી. સ્ટ્રોંગ રૂમથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે અને અગાઉના પેપર લીક કાંડમાં સંડોવાયેલા તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ સુરક્ષા વ્યવસ્થા માટે કાયદો અને વ્યવસ્થાના આઇજીપી મકરંદ ચૌહાણને સ્ટેટ નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. ઇન્ટેલિજન્સ એજન્સીને એવી પણ માહિતી મળી છે કે સોશિયલ મીડિયા અથવા ટેલિગ્રામ ચેનલ પર પેપર વેચવાનું કૌભાંડ આચરતા તત્વો હજુ સક્રિય હોઈ શકે છે. આ ગંભીર ઇનપુટ્સને પગલે DGP જી.એસ. મલિકે સિનિયર પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજીને કડક સુરક્ષાના આદેશ આપ્યા છે.