Navsari Rain: નવસારીના જલાલપોરમાં 8 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. જલાલપોર તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નવસારી શહેરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ પડતાં રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. જલાલપોર તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નવસારી શહેરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ પડતાં રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ચાલુ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે દૃશ્યતા (વિઝીબિલિટી) ઘટી જતાં વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. અનેક માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દશેરા ટેકરી અને શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ઘૂસ્યા
નવસારી શહેરમાં આશરે 6 ઈંચ વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. દશેરા ટેકરી વિસ્તારમાં જળસ્તર વધતાં 15થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પણ દુકાનો અને રહેણાંક મકાનોમાં પાણી ભરાતાં સ્થાનિકોની ઘરવખરીને નુકસાન થયું છે. અનેક પરિવારોને પાણી કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી.
વેપારીઓ અને સ્થાનિકોને ભારે નુકસાન
વરસાદી પાણી ઘરમાં અને દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક સ્થળોએ ઘરમાં અને દુકાનોમાં રાખેલો માલસામાન પાણીમાં પલળી ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે અગાઉ પણ ખાડીપૂરની સ્થિતિ દરમિયાન પૂરતી સહાય મળી નહોતી અને આ વખતે પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
રાહત કોલોનીમાં ઘરો પાણીમાં ડૂબ્યા
રેલ રાહત કોલોની સહિતના વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી પલળી ગઈ હતી. અનેક પરિવારોને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવાની માંગ કરી છે, જ્યારે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો- પશુપાલનનુ હબ કહેવાતા સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ– Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
