રાજકોટના વેજા ગામમાં મચ્છરોનો ત્રાસ એટલો કે ગામમાં કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી- જુઓ Video

| Edited By: | Updated on: Apr 12, 2026 | 9:17 PM

આજે આપને એક એવા ગામ વિશે જણાવશુ જ્યાના યુવાનોને લગ્ન તો કરવા છે પરંતુ એ ગામમાં કોઈ દીકરી પરણાવવા જ તૈયાર નથી. ગામમાં મચ્છરોનો ત્રાસ એટલી હદે અસહ્ય છે કે યુવાનોના લગ્ન પણ નથી થઈ રહ્યા.

રાજકોટના વેજા ગામની એક ચોંકાવનારી અને શરમજનક સ્થિતિ સામે આવી છે. જ્યાં માણસો નહીં, પણ હવે પશુઓ પણ મચ્છરદાનીમાં રહેવા મજબૂર બન્યા છે. ગામમાં મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો હવે અહીં દીકરીઓ આપવા તૈયાર નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાવ માથા પર આવી ગઈ છે. ત્યારે વિકાસના મસમોટા દાવા વચ્ચે વેજા ગામના ગામના લોકોની સમસ્યા આજ સુધી કોઈ સત્તાધિશોને કેમ ન દેખાઈ તે મોટો સવાલ છે.

રાજકોટ જિલ્લાના વેજા ગામમાં મચ્છરોનો ઉપદ્રવ હવે જીવલેણ બની ગયો છે. ગામમાં સાંજ પડતા જ મચ્છરોના ઝુંડ લોકો પર તૂટી પડે છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગામમાં આવતા મહેમાનો પણ રાત પડતા પહેલા જ ગામ છોડી ભાગી જાય છે. માત્ર એટલું જ નહીં, આ સમસ્યાએ ગામના યુવાનોના લગ્નજીવન પર પણ અસર પાડી છે. લોકો પોતાની દીકરીઓ આ ગામમાં આપવા તૈયાર નથી. જેના કારણે ગ્રામજનોને સામાજિક અને માનસિક રીતે ભારે શરમ અને લાચારીએ ઘેરી લીધા છે.

વેજા ગામમાં મચ્છરોના આ ત્રાસ પાછળનું મુખ્ય કારણ છે ગામની ભાગોળમાં આવેલું નાળું. જેમાં ઉગેલી જળકુંભી હવે મચ્છરો માટે પ્રજનનનું કેન્દ્ર બની ગઈ છે. આ જળકુંભીના કારણે પાણી સ્થિર થઈ ગયું છે અને તેમાંથી મચ્છરોની સંખ્યા અણઘડ રીતે વધી રહી છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે હવે પશુઓને પણ મચ્છરદાનીમાં રાખવા પડે છે. જે ગામની હાલતની ગંભીરતા દર્શાવે છે. ગ્રામજનોનો આક્રોશ હવે ઉફાન પર છે. લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

વેજા ગામની આ સમસ્યા માત્ર આરોગ્યનો મુદ્દો નથી. પરંતુ ગામની પ્રતિષ્ઠા, સમાજિક વ્યવસ્થા અને લોકોના જીવન પર સીધી અસર કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ મચ્છરોના આતંકમાંથી ગામને ક્યારે મુક્તિ મળે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો, ઠેકઠેકાણે પડ્યા અનેક રાજીનામા

Published on: Apr 12, 2026 09:14 PM
Follow Us