રાજ્યમાં ફરી શરુ થયો વરસાદનો રાઉન્ડ, સૌથી વધુ નવસારીના ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં ફરી મેઘ મહેર શરુ થઈ છે, ત્યારે સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ અમરેલી શહેરમાં વરસાદ થતા રાજકમલ ચોક અને ભીડ ભંજન ચોકમાં પાણી ભરાયા છે.
રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર રફતાર પકડી લીધી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર મહેરની શરૂઆત કરી છે. નવસારીની વાત કરીએ તો, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સુરતના પલસાણામાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ અમરેલી શહેરમાં વરસાદ થતા રાજકમલ ચોક અને ભીડ ભંજન ચોકમાં પાણી ભરાયા છે. તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે સાવરકુંડલાની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
કચ્છમાં પણ ભારે ઉકળાટ વચ્ચે રાપરમાં વરસાદ થયો છે. બપોરે 4 વાગ્યાથી ધોધમાર વરસાદ પડ્યો હતો અને અંદાજિત દોઢ કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ભરૂચ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
