આગામી 48 કલાક હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત્ રહેશે. જ્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આગામી દિવસોમાં મૂશળધાર વરસાદ જોવા મળી શકે છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર રીતે મેઘરાજા વરસી રહ્યા છે અને હજુ પણ મેઘરાજા ખમૈયા કરવાના મુડમાં નથી. હજુ પણ આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. જ્યારે 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. તો પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. એટલે હજુ 24 કલાક રાજ્ય માટે ખુબ ભારે છે.
રાજ્ય પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તે આગામી 3 દિવસ સુધી સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો સારો વરસાદ પડી રહ્યો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ જોઇએ તેવી મહેર થઇ નથી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 22 જુલાઇથી વધુ એક મજબૂત વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની મૂશળધાર કૃપા જોવા મળશે.
બંગાળની ખાડીમાંથી આવેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર માટે રાહતની વાત એ છે કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થઇ જશે અને ધોધમાર નહીં, પરંતુ સામાન્ય જ વરસાદ પડશે.