Monsoon 2022: ગુજરાતમાં ચોમાસાની જમાવટ, રાજ્યના 124 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ચોમાસાએ (Monsoon 2022) જમાવટ પકડી છે. રાજ્યભરમાં હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના કુલ 124 તાલુકામાં મેઘમહેર વરસી છે. રાજ્યમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ (Rain) જૂનાગઢના માણાવદરમાં વરસ્યો છે. ત્યારે મહિસાગરના વીરપુરમાં પણ 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામ અને વાંસદામાં પોણા 4 ઈંચ વરસાદ, જૂનાગઢ શહેર, વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોમાં પણ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 46 તાલુકામાં 1 ઈંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વિવિધ સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા છે.
વરસાદ વરસતા જ ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ત્યારે શહેરી વિસ્તારના લોકોને વરસાદથી ભરાયેલા પાણીને પગલે મુશ્કેલીઓ વધી છે અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.