વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, શર્ટ વીજપોલમાં ફસાઈ જતાં યુવકનો ‘ફિલ્મી’ બચાવ
જેને રામ રાખે તેને કોણ ચાખે! અજાણ્યા વાહને ટક્કર મારતા યુવક બ્રિજની નીચે ખાબકવાનો જ હતો, ત્યાં જ વીજપોલ તેના માટે દેવદૂત સાબિત થયો.
વડોદરાના નંદેસરી બ્રિજ પર આજે એક અત્યંત વિચિત્ર અને રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક 20 વર્ષીય યુવક પોતાની મોપેડ લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક બ્રિજ પરથી નીચે ફેંકાયો હતો.
જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. નીચે પડતી વખતે યુવકનો શર્ટ બ્રિજ પરના વીજપોલ માં ફસાઈ ગયો હતો, જેને કારણે તે હવામાં લટકતો રહ્યો હતો. બ્રિજ પરથી નીચે પડવાના બદલે પોલ પર ટીંગાઈ રહેલા યુવકને જોઈ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેનો હાથ પકડી હેમખેમ ઉપર ખેંચી લીધો હતો. આ ચમત્કારિક બચાવ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય ઈજા પામેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
