તાપીમાં પ્રાથમિક શાળામાં આપવામાં આવતા સંજીવની દૂધના પાઉચ નદીમાં ફેંકી દેવા મુદ્દે તપાસના આદેશ અપાયા છે. આદિવાસી વિસ્તારમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંજીવની દૂધ યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે. જો કે તાપીમાં દૂધના પાઉચ ફેંકી દેવાયેલી હાલતમાં મળ્યા હતા.
જો કે હવે TV9 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. જિલ્લા પ્રાયોજના અધિકારીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ICDS અધિકારીને તપાસ કરી તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
10 માર્ચ 2023ના રોજ તાપીના વાલોડ તાલુકાના તીતવા ગામેથી મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના હજારોની સંખ્યામાં દૂધના પાઉચો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરતા પ્રાથમિક શાળામાં આપવામાં આવતા પાઉચ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતુ. સમગ્ર મામલે વાલોડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને જાણ કરાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ દૂધના પાઉચ પ્રાથમિક શાળામાં આપવામાં આવતા દૂધ સંજીવનીના હોવાનું માલુમ પડતા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આદિવાસી વિસ્તારમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત સુમુલ સાથે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે બાળકો સુધી દૂધના પાઉચ પહોંચવાની જગ્યાએ નદીમાંથી મોટી સંખ્યામાં દૂધના પાઉચ મળી આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે અને ગામના સરપંચે પણ આ મામલે તપાસની માગ કરી છે.