આ તો શું મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ બોલાયો 1 રૂપિયો- Video
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ખેડૂતોને ધ્રુસકે ધ્રુસકે રડાવી રહી છે. હાલ યાર્ડમાં એક કિલો સફેદ ડુંગળીનો ભાવ 1 રૂપિયો બોલાઈ રહ્યો છે. આ સાંભળી ખેડૂતોની આંખમાં ઝળઝળિયા આવી ગયા છે.
જગતના તાતની આવી દયનીય સ્થિતિ સામે આવી ભાવનગર જિલ્લાથી. જ્યાં મોટા પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર છે. ત્યાં હાલ ડુંગળી પકવતા ખેડૂતો ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહ્યા છે. હાલ મહુવા યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ માત્ર 1 રૂપિયો બોલાઈ રહ્યો છે.
એક મણ ડુંગળીનો 20થી 182 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. આ ભાવ સાંભળી જગતના તાતના પગ નીચેથી જમીન ખસકી ગઈ છે. મજાક સમાન ડુંગળીના ભાવ મળતા ખેડૂતોને મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે માવઠા બાદ સફેદ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. શનિવારે હરાજીમાં સફેદ ડુંગળીની 92 હજાર થેલીની આવક થઈ હતી. આ ભાવ સાંભળીને તો એવુ જ લાગે કે ખેડૂતોની સાથે જાણે ક્રુર મજાક કરાઈ રહી છે. આ ભાવમાં પડતર પણ નીકળે તેમ નથી. ત્યારે ખેડૂતો કેવી રીતે ગુજરાન ચલાવે ત મોટો સવાલ છે. એકતરફ દર વર્ષે માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. તેમા પણ નુકસાનીનું સરકાર દ્વારા મજાક સમાન નજીવી સહાય મળે છે. સહાય મળશે કે કેમ એ પણ નક્કી નથી હોતુ. તેમા આ પ્રકારે ભાવ તળિયે જવા એ ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન છે. માંડ બે છેડા ભેગા કરવા મથતો ખેડૂત ઉભો જ થઈ શક્તો નથી અને માથે દેવાનો ડુંગર વધતો જ જાય છે.