Jamnagar : અમેરિકાએ ઝિંકેલા ટેરિફની માઠી અસર બ્રાસ ઉદ્યોગ પર થવાની શક્યતા, ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
ટ્રમ્પ ટેરિફની અસર જામનગરનાં બ્રાસ ઉદ્યોગ પર પડવાની આશંકા છે. પહેલા ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી અને ત્યાર બાદ વધુ 25 ટકા વધારો ઝિંકાયો છે. આમ કુલ 50 ટેરિફનો અમલ શરૂ થતા જામનગરનાં બ્રાસપાર્ટના ઉદ્યોગમાંથી અમેરિકા થતી કુલ 10 ટકા નિકાસમાં અડધોઅડધ ઘટાડો થવાની શકયતા છે.
ટ્રમ્પ ટેરિફની અસર જામનગરનાં બ્રાસ ઉદ્યોગ પર પડવાની આશંકા છે. પહેલા ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી અને ત્યાર બાદ વધુ 25 ટકા વધારો ઝિંકાયો છે. આમ કુલ 50 ટેરિફનો અમલ શરૂ થતા જામનગરનાં બ્રાસપાર્ટના ઉદ્યોગમાંથી અમેરિકા થતી કુલ 10 ટકા નિકાસમાં અડધોઅડધ ઘટાડો થવાની શકયતા છે. તેવુ ઉદ્યોગકારોનું માનવું છે. હાલ તો જૂના ઓર્ડર પ્રમાણે નિકાસ થઇ રહી છે પરંતુ નવા ટેરિફની અસર નવેમ્બરથી અનુભવાશે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે.
વૈકલ્પિક બજાર શોધવા બ્રાસ ઉદ્યોગકારોની કવાયત
જો કે જામનગરથી બ્રાસપાર્ટસના જે ઉદ્યોગકારો અમેરિકા નિકાસ કરી રહ્યા છે તેઓ અત્યારે પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવી રહ્યા છે. બ્રાસનાં ઉદ્યોગકારોએ અમેરિકાનો વિકલ્પ શોધવાની કવાયત શરૂ કરી નાખી છે. અવેજી માર્કેટ તરીકે આફ્રિકા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાનાં દેશોમાં નિકાસની સારી તકો હોઇ તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ઉલ્લેખનીય છે કે હાલ જામનગરનાં બ્રાસનાં પાર્ટસ યુરોપિયન દેશો અને અને રશિયામાં તો નિકાસ થઇ રહ્યા છે.
હાલ તો વધારાના ટેરીફના કારણે જામનગરના બ્રાસપાર્ટસના ઉદ્યોગમાંથી અમેરિકામાં જે 10 ટકા નિકાસ થાય છે તેમાં અડધોઅડધ ઘટાડો થવાની પુરી શક્યતા છે. દિવાળી સુધીમાં જો નિકાસ કરતા એકમોને અવેજી માર્કેટમાં વેપારની તક મળી જશે તો અમેરિકામાં નિકાસની જે ઘટ પડી છે તે સરભર થઇ જશે. પરંતુ હાલમાં તો ટ્રમ્પ ટેરિફને કારણે અન્ય ઉદ્યોગોની સાથે જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ આંશિક માઠી અસર પહોંચી હોવાનું બ્રાસ ઉદ્યોગકારોનું માનવું છે.
