ભારત -પાક.ના મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં ક્રિકેટ પ્રેમી સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ આજે યોજાવા જઈ રહી છે. હાઈ-વોલ્ટેજ ડ્રામાને લઈને સુરતના ક્રિકેટ રસિકોમાં ભારે જોશ અને અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણે-ખૂણે આજે માત્ર ભારતની જીતની જ ચર્ચાઓ થઈ રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓની ‘ચોપાલ’ જામી છે. યુવાનોથી લઈને મોટેરાઓ સુધીના તમામ ક્રિકેટ ચાહકો એકઠા થઈને ટીમ ઈન્ડિયાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સુરતીઓનું માનવું છે કે આજે મેદાન પર ભારતીય પ્લેયરો પાકિસ્તાનની ટીમ પર સંપૂર્ણ રીતે હાવી થઈ જશે.
બેટિંગ લાઇનઅપ પર નજર કરતા સુરતના ક્રિકેટ પ્રેમીઓએ આશા વ્યક્ત કરી છે. અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવી યુવા જોડી પાકિસ્તાની બોલરોની લાઈન-લેન્થ બગાડશે. મિસ્ટર 360 ડિગ્રી એટલે કે સૂર્યકુમાર યાદવ આજે મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી પાકિસ્તાનના ‘છક્કા’ છોડાવી દેશે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ ભારતનું પલ્લું ભારે હોવાનું ચાહકો માની રહ્યા છે. જસપ્રીત બુમરાહના યોર્કર અને વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિન પાકિસ્તાનના બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા નહીં દે. સુરતના ક્રિકેટ રસિકો અત્યારથી જ વિજય ઉત્સવની તૈયારીઓમાં લાગી ગયા છે. આજે પાકિસ્તાન સામે ભારતનો વિજય નક્કી છે, અમારા પ્લેયર્સ ફોર્મમાં છે અને સુરત જીતની ઉજવણી કરવા તૈયાર છે.
Input Credit- Baldev Sutha- Surat
Published On - 5:22 pm, Sun, 15 February 26