જુનાગઢમાં પાછોતરા વરસાદે વેર્યો વિનાશ, તૈયાર મગફળીના પાથરા વરસાદી પાણી તણાઈ જતા લાખોનું નુકસાન- Video

|

Oct 22, 2024 | 7:11 PM

આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની માઠી દશા બેઠી છે. એકપણ સિઝન ખેડૂતો લઈ શક્યા નથી. ખેડૂતોએ એક જ સિઝનમાં ત્રીજીવાર વાવણી કરી મગફળીનો પાક વાવ્યો હતો. આ પાક તૈયાર જતા પાથરા ખેતરોમાં પડ્યા હતા ત્યાં આકાશી આફત બનીને વરસાદ ખાબક્યો અને મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા. ખેડૂતોને મગફળી તણાઈ જતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ કુદરતી આફત ગેમે તે હોય પરંતુ દરેક વખતે જગતનો તાત આનો ભોગ બનતો હોય છે. જુનાગઢ જિલ્લામાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે. મોંઘા બિયારણ, મોંઘા ખાતર, આખા વર્ષની આકરી મહેનત અને ભારે જતનથી ઉછેરેલો પાક વરસાદમાં નષ્ટ થતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે.

જુનાગઢ પંથકમાં મગફળીના ખેતરના આ દ્રશ્યો ખેડૂતોની કફોડી હાલતનો ચિતાર વ્યક્ત કરે છે. કટાણે વરસાદ પડવાથી ખેતરમાં તૈયાર થયેલા મગફળીનો પાક પલળી ગયો છે. મગફળીના પાથરા વરસાદી પાણીના કારણે કોહવાઈ ગયા છે. ખેડૂતો માટે આફ ફાટ્યા જેવી સ્થિતિ છે.

મગફળી ઉપરાંત સોયાબીન, કપાસના પાકમાં પણ પારાવાર નુક્સાન થયું છે. પવન સાથે પડેલા વરસાદે પાકને વેરણ-છેરણ કર્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે ખેતરમાં થોડા દિવસો પહેલા હરિયાણો પાક લહેરાતો હતો, તે જ ખેતરમા હવે બધુ રમણ-ભમણ થઈ ગયું છે. દિવાળી ટાણે મગફળીના પાકનું વેચાણ થતું હોય છે. પરંતુ હવે ખેડૂતના હાથમાં માત્ર પાકના અવશેષો બચ્યા છે. પાયમાલ થયેલા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માગણી કરી રહ્યા છે

Input Credit- Vijaysinh Parmar- Junagadh 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video